સુરત: સુરત પોલીસ કમિશનર સતિશ શર્મા દ્વારા તાજેતરમાં જ બહાર પાડવામાં આવેલા પરિપત્રમાં શહેરમાં વધતાં જતાં નોઇઝ પોલ્યુશનના કારણે ઓટો રિક્ષામાં મ્યુઝિક સિસ્ટમ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.
રિક્ષાચાલકો મુસાફરોને આકર્ષવા માટે મોટા અવાજે ગીતો વગાડે છે. આ હાઇ-વોલ્યુમ મ્યુઝિકના લીધે નોઇઝ પોલ્યુશનમાં તો વધારો થાય જ છે, તે સાથે અકસ્માત થવાની શક્યતા પણ વધી જાય છે.
પોલીસ કમિશનર સતિશ શર્મા દ્વારા ગુરુવારે જાહેર કરવામાં આવેલા પરિપત્ર અનુસાર રિક્ષાચાલકોને તેમની રિક્ષામાંથી મ્યુઝિક સિસ્ટમ દૂર કરવા સૂચના આપવામાં આવી છે. જો કોઈપણ આ સૂચનાનો ભંગ કરતું જણાશે, તો આઇપીસી સેક્શન-188 અને ગુજરાત પોલીસ એક્ટ 33/1 અનુસાર કાર્યવાહી કરવામાં આવશે.
સુરતની ટેકસટાઇલ બજાર અને રિંગ રોડથી સચિન વિસ્તારને જોડતા રસ્તાઓ પર સૌથી વધુ ઓટો રીક્ષાઓનો ધસારો રહે છે.
રિક્ષાચાલકો જણાવે છે કે, રિક્ષાનો સૌથી વધુ ઉપયોગ મજૂર વર્ગ અને ટેકસટાઇલ બજારમાં કામ કરતાં લોકો દ્વારા કરવામાં આવે છે. અમારા આ મુસાફરોની ઈચ્છા હોય છે કે, ગીતો વગાડવામાં આવે, તેઓ મ્યુઝિક સિસ્ટમ હોય તેવી જ રિક્ષામાં બેસવાનું પસંદ કરતાં હોય છે.
જો કે સુરત પોલીસ દ્વારા દર્દીઓ અને વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય પર અસર કરતાં નોઇઝ પોલ્યુશનને ઘટાડવા માટે આ કદમ ઉઠાવવામાં આવ્યું છે.