“અમે T20ને હળવાશથી નથી લેતા” વર્લ્ડ કપમાંથી બહાર થયા બાદ ટ્રેવિસ હેડનો ટીકાકારોને જડબાતોડ જવાબ
T20 વર્લ્ડ કપ 2026 અત્યારે તેના અંતિમ તબક્કામાં છે, જ્યાં ભારત, ઇંગ્લેન્ડ, ન્યૂઝીલેન્ડ અને સાઉથ આફ્રિકા જેવી ટીમો સેમીફાઈનલમાં ટકરાશે. જોકે, આ ટૂર્નામેન્ટનો સૌથી મોટો આંચકો ઓસ્ટ્રેલિયાનું ગ્રુપ સ્ટેજમાંથી જ બહાર થવું રહ્યો છે. મિચેલ માર્શની આગેવાનીમાં ઓસ્ટ્રેલિયા સુપર-8માં પણ પહોંચી શક્યું નહીં, જેના કારણે એવી ટીકાઓ થઈ રહી છે કે ઓસ્ટ્રેલિયા ટેસ્ટ અને વન-ડેની સરખામણીએ T20 ફોર્મેટને ગંભીરતાથી લેતું નથી. હવે આ દાવાઓ પર ઓપનિંગ બેટ્સમેન ટ્રેવિસ હેડે પલટવાર કર્યો છે.
“100 ટકા કમિટમેન્ટ સાથે રમીએ છીએ”
મંગળવારે પત્રકારો સાથે વાત કરતા ટ્રેવિસ હેડે તમામ ટીકાઓને ફગાવી દીધી હતી. તેણે સ્પષ્ટ કર્યું કે ઓસ્ટ્રેલિયા માટે કોઈ એક ફોર્મેટ બીજા ફોર્મેટ કરતા નાનું નથી. હેડે જણાવ્યું કે, “ખેલાડીઓ અને ટીમનો દ્રષ્ટિકોણ દરેક ફોર્મેટ માટે 100 ટકા કમિટમેન્ટનો હોય છે. જ્યારે તમે વર્લ્ડ કપ રમો છો, ત્યારે તમે જીતવા માટે જ મેદાનમાં ઉતરો છો. એવું કહેવું કે અમે T20 ને ગંભીરતાથી નથી લેતા, તે માત્ર લોકોનો અભિપ્રાય હોઈ શકે છે, હકીકત નહીં.”
તેણે વધુમાં ઉમેર્યું કે, “જ્યારે ઓસ્ટ્રેલિયન ટીમ નથી જીતતી, ત્યારે ઘણા લોકો બહાના શોધે છે. અમે સ્વીકારીએ છીએ કે અમે પૂરતું સારું પ્રદર્શન કરી શક્યા નથી, પરંતુ એક ટીમ તરીકે અમે પૂરા સમર્પણ સાથે મેદાનમાં ઉતર્યા હતા.”
ઈજાઓ અને કમનસીબી નડી
ઓસ્ટ્રેલિયાનું અભિયાન શરૂ થાય તે પહેલા જ મુશ્કેલીઓ શરૂ થઈ ગઈ હતી. સ્ટાર બોલર પેટ કમિન્સ અને જોશ હેઝલવુડ ઈજાના કારણે બહાર થઈ ગયા હતા. કેપ્ટન મિચેલ માર્શ પણ નેટ્સમાં ઈજાગ્રસ્ત થતા પ્રથમ બે મેચ રમી શક્યો નહોતો, જેના કારણે આયર્લેન્ડ અને ઝિમ્બાબ્વે સામેની મેચમાં ટ્રેવિસ હેડે ટીમની કમાન સંભાળવી પડી હતી.
હેડે કહ્યું, “અમે વર્લ્ડ કપમાં કેવી રીતે રમવું તે વિશે ઘણી ચર્ચાઓ કરીએ છીએ અને મુશ્કેલ પરિસ્થિતિઓમાંથી રસ્તો કાઢવામાં અમે હંમેશા સફળ રહ્યા છીએ. પરંતુ આ વર્ષે નસીબે સાથ ન આપ્યો. અમે યોગ્ય સમયે શ્રેષ્ઠ પ્રદર્શન કરી શક્યા નહીં અને સુપર-8ની રેસમાંથી બહાર થઈ ગયા.”
T20 ફોર્મેટની અનિશ્ચિતતા
ટ્રેવિસ હેડે T20 ફોર્મેટની તુલના ટેસ્ટ અને વન-ડે સાથે કરતા જણાવ્યું કે આ ફોર્મેટ ખૂબ જ ‘અનપ્રેડિક્ટેબલ’ છે. તેણે સમજાવ્યું કે, “ટેસ્ટ મેચ જીતવા માટે તમારી પાસે પાંચ દિવસ હોય છે, જેમાં સામાન્ય રીતે શ્રેષ્ઠ ટીમ જ જીતે છે. પરંતુ T20માં કોઈ એક ખેલાડી પણ પોતાના દમ પર આખી મેચનું પરિણામ બદલી શકે છે. તેથી જ અહીં વારંવાર અનપેક્ષિત પરિણામો જોવા મળે છે.”
ટ્રેવિસ હેડ હવે ટૂંક સમયમાં ભારતમાં જોવા મળશે, જ્યાં તે 28 માર્ચથી શરૂ થઈ રહેલી IPL 2026 માં સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) તરફથી રમતો જોવા મળશે.

