રિયાધ: સાઉદી અરેબિયા, બહેરીન, ઈજિપ્ત અને સંયુક્ત આરબ અમિરાતે (યુએઈ) કતાર સાથેના તમામ પ્રકારના રાજદ્વારી સંબંધો તોડી નાખવાની જાહેરાત કરી છે. આ ચારેય અારબ દેશોએ કતાર પર આતંકવાદને સમર્થન આપવાનો આક્ષેપ કર્યો છે. બહેરીને સોમવારે કતાર સાથેના સંબંધો તોડી નાંખવાના પોતાના નિર્ણયની જાહેરાત કરી હતી. આતંકવાદને પ્રોત્સાહન આપવા ઉપરાંત બહેરીને કતાર પર પોતાના આંતરિક મામલામાં દખલ કરવાનો પણ આક્ષેપ કર્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે બહેરીન સાઉદી અરેબિયાનું સૌથી નિકટનું સૌથી સહયોગી રાષ્ટ્ર છે. આ ચારેય દેશોએ કતાર સાથે માત્ર રાજદ્વારી જ નહીં, પરંતુ હવાઈ અને દરિયાઈ સંપર્કો તોડવાની પણ જાહેરાત કરી છે. બહેરીને કતારમાં રહેતા તમામ નાગરિકોને ત્યાંથી પરત આવવા માટે ૧૪ દિવસનો સમય આપ્યો છે. સાઉદી અરેબિયાએ પોતાના આ નિર્ણયની જાણ કરતાં જણાવ્યું હતું કે સાઉદી અરેબિયાને આતંકવાદ અને કટ્ટરવાદથી બચાવવા માટે આ પગલું ભરવું જરૂરી હતી.
સાઉદી અરેબિયાની સત્તાવાર સમાચાર સંસ્થાએ સત્તાવાર સૂત્રોને ટાંકીને જણાવ્યું હતું કે રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાનમાં રાખીને તેણે આ નિર્ણય કર્યો છે. સાઉદી અરેબિયાએ તમામ મિત્ર રાષ્ટ્રો અને કંપનીઓને પણ અપીલ કરી છે કે તેઓ પણ કતાર સાથે તમામ પ્રકારના સંપર્કો તોડી નાખે.
ઈજિપ્ત અને સંયુક્ત આરબ અમિરાતે (યુએઈ) પણ કતાર સાથેના તમામ સંબંધો તોડી નાંખવાની જાહેરાત કરી છે. ઈજિપ્તે કતાર પર આતંકી સંગઠનોને સમર્થન આપવાનો આક્ષેપ કર્યો છે, જ્યારે યુએઈનું કહેવું છે કે કતાર સમગ્ર પશ્ચિમ એિશયાની સુરક્ષાને અસ્થિર કરવાની કોશિશ કરી રહ્યું છે. બહેરીને પોતાને ત્યાં વસતા કતારના નાગરિકોને દેશ છોડીને જવા માટે ૧૪ દિવસની મહેતલ આપી છે. જ્યારે કતારના રાજદ્વારીને ૪૮ કલાકની અંદર દેશ છોડી જવા આદેશ કર્યો છે.