ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા નોલેજ કોન્સોર્ટીયમ ઓફ ગુજરાત અને ગુજરાત યુનિવર્સીટી સાથે મળીને 14 થી 16 જુન દરમિયાન અમદાવાદના યુનિવર્સીટી ગ્રાઉન્ડમાં ગ્રાન્ડ એજ્યુકેશન ફેર – 2017નું આયોજન કરવામાં આવ્યું છે. ગ્રાન્ડ એજ્યુકેશન ફેર – 2017નું ઉદ્ઘાટન મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે કરવામાં આવશે. એજ્યુકેશન ફેરમાં 65થી વધુ યુનિવર્સીટી અને 150થી વધુ કોલેજો ભાગ લેશે. આ ફેરમાં 300થી વધુ શૈક્ષણિક સંસ્થાના સ્ટોલ્સ અને 50 હજારથી વધુ વિદ્યાર્થીઓ મુલાકાતે આવશે.
વિદ્યાર્થીને કારકિર્દી ઘડતર માટે વિવિધ તકો મળી રહે તથા શિક્ષણના અનેક ક્ષેત્રોમાંથી પોતાની પસંદગી મુજબ યોગ્ય પસંદગી વિદ્યાર્થીઓને મળી શકે તથા વિદ્યાર્થીઓ-વાલીઓને શિક્ષણ સંબંધિત કોઈ પણ સમસ્યાનો ઉકેલ એક જ જગ્યાએથી મળી રહે એ માટે ગ્રાન્ડ એજ્યુકેશન ફેર – 2017નું આયોજન કરવામાં આવ્યું છે. આ ફેરમાં વાલીઓ અને વિદ્યાર્થીઓ માટે વિવિધ કારકિર્દી ઘડતરના વિવિધ સેમિનારનું આયોજન પણ કરવામાં આવ્યું છે, જેમાં તેમણે વિવિધ ક્ષેત્રોમાં કારકિર્દી બનાવવા માટે તથા ઉપલબ્ધ તકો વિષે માહિતી આપવામાં આવશે. પ્રોફેશનલ કોર્સ, ડિફેન્સ સર્વિસ, વિદેશમાં ભણતરની તકો, સિવિલ સર્વિસ, બેન્કિંગ તથા આ માટેની સ્પર્ધાત્મક પરીક્ષાઓ વિષે માહિતી પણ પૂરી પાડવામાં આવશે. આ ઉપરાંત આ ભણતર માટે ઉપલબ્ધ શિષ્યવૃત્તિ વિષે પણ માહિતી આપવામાં આવશે. સાથે જ ડીસ્ટન્સ લર્નિંગ, વિદ્યાર્થીઓ માટે ઉપલબ્ધ સરકારી શિષ્યવૃત્તિ, શૈક્ષણિક લોન વિષે પણ માહિતી આ એજ્યુકેશન ફેરમાં મળશે.
રાજ્ય શિક્ષણમંત્રી શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ 14-15-16 જુનના રોજ યોજાનારા ગ્રાન્ડ એજ્યુકેશન ફેર – 2017ની વેબસાઈટ www.educationfairgujarat.org લોન્ચ કરી છે જેના પરથી એજ્યુકેશન ફેર વિશેની બધી જ માહિતી મળી રહેશે અને જે વિદ્યાર્થીઓએ કે વાલીઓએ આ એજ્યુકેશન ફેરમાં ભાગ લેવો હોય તેઓએ આ વેબસાઈટ પર જઈ રજીસ્ટ્રેશન કરવાનું રહેશે.