WhatsAppમાં હવે બદલી શકાશે થીમ અને આઇકોન, પણ તેના માટે ચૂકવવી પડશે કિંમત
જો તમે એમ વિચારતા હોવ કે WhatsApp હંમેશા માટે સંપૂર્ણપણે ફ્રી રહેશે, તો આ સમાચાર તમારા માટે છે. મેસેજિંગની દુનિયામાં એક મોટો ફેરફાર આવવા જઈ રહ્યો છે. WhatsApp હવે તેના યુઝર્સ માટે એક ‘ઓપ્શનલ’ એટલે કે વૈકચ્છિક પ્રીમિયમ સબસ્ક્રિપ્શન પ્લાન પર કામ કરી રહ્યું છે. આ પ્લાનનું નામ ‘WhatsApp Plus’ હોઈ શકે છે.
આ સમાચાર સાંભળીને ગભરાવાની જરૂર નથી, કારણ કે તમારી મૂળભૂત ચેટિંગ સેવાઓ ફ્રી જ રહેશે, પરંતુ જે લોકો કંઈક ‘એક્સ્ટ્રા’ ઈચ્છે છે તેમના માટે આ પ્લાન લાવવામાં આવી રહ્યો છે. ચાલો જાણીએ આ નવા સબસ્ક્રિપ્શનમાં શું ખાસ હશે અને તમને કયા નવા ફીચર્સ મળશે.
શું છે આ ‘WhatsApp Plus’ પ્લાન?
WABetaInfo ના રિપોર્ટ મુજબ, WhatsApp તેના Android અને iOS બંને યુઝર્સ માટે એક પેઇડ સબસ્ક્રિપ્શન ટિયર વિકસાવી રહ્યું છે. આ પ્લાનનો મુખ્ય હેતુ યુઝર્સને વધુ કસ્ટમાઇઝેશન (પરિવર્તન કરવાની ક્ષમતા) અને સુવિધાઓ આપવાનો છે. અત્યાર સુધી આપણે WhatsApp જેવું છે તેવું જ વાપરતા આવ્યા છીએ, પણ હવે તમે તેને તમારી મરજી મુજબ ‘ડિઝાઇન’ કરી શકશો.
પ્રીમિયમ યુઝર્સને કયા એડિશનલ ફીચર્સ મળશે?
જો તમે WhatsApp Plus નું સબસ્ક્રિપ્શન લો છો, તો તમને નીચે મુજબના શાનદાર ફીચર્સ મળી શકે છે:
૧. લુક અને ફીલમાં બદલાવ (વિઝ્યુઅલ કસ્ટમાઇઝેશન)
સબસ્ક્રાઇબર્સ હવે એપની આખી થીમ બદલી શકશે. તમે ઈન્ટરફેસમાં તમારા મનપસંદ કલર્સ (Accent Colors) સેટ કરી શકશો. એટલું જ નહીં, લગભગ 14 જેટલી નવી આઇકોન સ્ટાઇલ પર કામ ચાલી રહ્યું છે, એટલે કે તમે તમારા ફોનની સ્ક્રીન પર દેખાતા WhatsApp ના લોગોને પણ બદલી શકશો.
૨. ચેટ પિન કરવાની મર્યાદામાં વધારો
અત્યારે આપણે માત્ર ૩ મહત્વની ચેટને ઉપર (Pin) રાખી શકીએ છીએ. પરંતુ પ્રીમિયમ પ્લાનમાં આ મર્યાદા ૩ થી વધારીને ૨૦ ચેટ સુધી કરી શકાય છે. એટલે કે તમારા કામની ૨૦ વ્યક્તિઓ કે ગ્રુપ હંમેશા તમારી નજર સામે ઉપર રહેશે.
૩. એક્સક્લુઝિવ રિંગટોન્સ
WhatsApp Plus ના યુઝર્સને ખાસ ડિઝાઇન કરેલી રિંગટોન્સ મળશે. આ રિંગટોન્સ સામાન્ય રિંગટોન કરતા અલગ હશે, જેથી તમને તરત જ ખબર પડી જશે કે WhatsApp કોલ આવી રહ્યો છે.
૪. પ્રીમિયમ સ્ટિકર્સ અને રિએક્શન
સબસ્ક્રાઇબર્સને એવા સ્ટિકર પેક મળશે જે ફ્રી યુઝર્સ પાસે નહીં હોય. સાથે જ, મેસેજ પર જે ઇમોજી રિએક્શન આપીએ છીએ, તે પણ વધુ આકર્ષક અને ‘ઇન્ટરેક્ટિવ’ બનાવવામાં આવશે.
શું સામાન્ય યુઝર્સ માટે WhatsApp બંધ થઈ જશે?
ના, બિલકુલ નહીં. WhatsApp એ સ્પષ્ટ કર્યું છે કે તેના મુખ્ય ફંક્શન્સ જેમ કે મેસેજ મોકલવા-મેળવવા, વોઈસ અને વિડિયો કોલ્સ, મીડિયા શેરિંગ અને પ્રાઈવસી ફીચર્સ હંમેશાની જેમ દરેક માટે ફ્રી રહેશે. WhatsApp Plus માત્ર એવા લોકો માટે છે જેમને વધુ ફીચર્સ અને કસ્ટમાઇઝેશનની જરૂર છે. તે ટેલિગ્રામ પ્રીમિયમ જેવું જ કંઈક હોઈ શકે છે.
ક્યારે લોન્ચ થશે અને કિંમત કેટલી હશે?
હાલમાં આ પ્લાન ડેવલપમેન્ટ સ્ટેજમાં છે. WhatsApp એ હજુ સુધી તેની સત્તાવાર લોન્ચ ડેટ કે કિંમત જાહેર કરી નથી. કંપની હાલમાં અલગ-અલગ ફીચર્સનું ટેસ્ટિંગ કરી રહી છે અને યુઝર્સના પ્રતિસાદના આધારે તેમાં ફેરફાર પણ કરી શકે છે.
WhatsApp હવે માત્ર એક સાદું મેસેજિંગ એપ મટીને એક લાઈફસ્ટાઈલ એપ બનવા જઈ રહ્યું છે. જો તમને એપ્સને પર્સનલાઈઝ કરવાનો શોખ હોય, તો WhatsApp Plus તમારા માટે ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે. બાકી, જો તમારે માત્ર ચેટિંગ કરવું હોય, તો તમારા માટે કંઈ પણ બદલાવાનું નથી.

૩. એક્સક્લુઝિવ રિંગટોન્સ