નવી દિલ્હી: સરકારી કર્મચારી સામે ભ્રષ્ટાચારના કેસની તપાસ માત્ર છ મહિનામાં જ પૂરી કરવાના નવા નિયમ સાથે સરકારે પચાસ વર્ષ જૂના ૧૯૬૫ના કાયદામાં મહત્ત્વનો ફેરફાર કર્યો હતો.
મોટાભાગના આવા કેસ ઘણા લાંબા સમય સુધી ચાલતા હોય છે અને એના નિકાલમાં ઝડપ લાવવા માટે સરકારે ઉપરોક્ત ફેરફાર કરવાનો નિર્ણય લીધો હતો.
કાયદામાં કરવામાં આવેલા ફેરફાર પ્રમાણે તપાસ સંસ્થાએ છ મહિનામાં તપાસ પૂરી કરીને પોતાનો રિપોર્ટ રજૂ કરવાનો રહેશે. જોકે, અનુશાસન સત્તાધીશને યોગ્ય અને સચોટ કારણ સાથે લેખિતમાં અરજી કર્યા બાદ વધારેમાં વધારે વધુ છ મહિના માટે તપાસનો સમયગાળો વધારી આપવામાં આવશે.
અગાઉ તપાસ માટે કોઇ જાતની મર્યાદા નહોતી અને એ કારણે અનેક કેસની તપાસ વર્ષો સુધી લંબાતી હતી.
અનુશાસન સત્તાધીશ ભ્રષ્ટાચારના આરોપીને તહોમતનામું આપશે અને આરોપીની ઇચ્છા હોય તો એ પોતાના બચાવમાં એનો લેખિત જવાબ આપવાનો રહેશે તથા જો એ પોતાનો પક્ષ રજૂ કરવા માગતો હોય તો ૧૫ દિવસમાં એ વિશે એણે પ્રશાસનને જણાવવાનું રહેશે.
આ માટેની સમય મર્યાદા વધુ ૧૫ દિવસ માટે વધારી શકાય, પણ લેખિત બચાવ રજૂ કરવાની સમય મર્યાદા કોઇપણ સંજોગોમાં ચાર્જશીટ મળ્યાના ૪૫ દિવસથી વધારી નહીં શકાય. હાલ કર્મચારી પોતાનો જવાબ રજૂ કરે એ માટે કોઇ જાતની સમય મર્યાદા નથી.
નવો નિયમ આઇએએસ, આપીએસ અને આઇએફએસ તથા અન્ય કેટલીક કેટેગરીના કર્મચારીઓ સિવાયના બધા જ સરકારી કર્મચારીઓને લાગુ પડશે.
ગયા વર્ષે સેન્ટ્રલ વિજિલન્સ કમિશને ભ્રષ્ટાચારના કેસની તપાસમાં વેડફાતા સમય બદલ ચિંતા વ્યક્ત કરી હતી અને બધા જ વિભાગને આવા કેસનો છ મહિનામાં નિકાલ લાવવાના આદેશ આપ્યા હતા, પણ કમિશને નોંધ્યું હતું કે કોઇપણ વિભાગે એમના આદેશનું પાલન કર્યું નહોતું અને માટે જ સરકારે ઉપરોક્ત આદેશ બહાર પાડ્યો હતો.
કમિશને નોંધ્યું હતું કે ભ્રષ્ટાચારના કેસમાં ઓછામાં ઓછો બે વર્ષ અને વધારેમાં વધારે આઠ વર્ષનો સમય લેવામાં આવ્યો હતો.