પરંપરાગત ખેતીમાંથી બાગાયતી ખેતીમાં કૂદકો
બનાસકાંઠા જિલ્લામાં ઘણા ખેડૂતો હવે પાક પરિવર્તન તરફ વળી રહ્યા છે. ડીસા તાલુકાના રામપુરા ગામના ૫૫ વર્ષીય મોટાભાઈ વિજાજી ચૌધરી પણ એવા જ એક ઉદાહરણરૂપ ખેડૂત છે, જેમણે ખારેક જેવી વૈકલ્પિક અને બાગાયતી ખેતી તરફ આગળ વધી સફળતા મેળવી છે. માત્ર ત્રીજા ધોરણ સુધી અભ્યાસ કરેલા મોટાભાઈએ ખેતીની સમજદારીથી ખારેકના ૫૦ છોડ વાવી વર્ષ દરમિયાન લાખોની આવક હાંસલ કરી છે.
દોઢ વિઘામાંથી લાખોની કમાણી
મોટાભાઈ ચૌધરીએ છ વર્ષ પહેલા વલસાડથી ખારેકના રોપાઓ ખરીદ્યા હતા, જેમાં પ્રત્યેક રોપાની કિંમત લગભગ ૪ હજાર રૂપિયાની હતી. કુલ ૨ લાખ રૂપિયાનું રોકાણ કરીને દોઢ વિઘા જમીનમાં ૫૦ રોપા વાવ્યા. પહેલા વર્ષે દરેક છોડે આશરે ૨૦ કિલો ઉત્પાદન આપ્યું, જેથી ૮૦ હજાર રૂપિયાની આવક થઈ. બીજા વર્ષે ઉત્પાદન વધી ૩૫ કિલો પ્રતિ છોડ થયું અને આવક ૧,૪૦,૦૦૦ રૂપિયે પહોંચી. ત્રીજા વર્ષે દરેક છોડે ૪૫ કિલો ખારેક આપતા તેઓ ૨ લાખથી વધુ આવક મેળવવાનો અંદાજ આપી રહ્યા છે.
વેચાણ પણ સ્થાનિક બજારમાં જ
મોટાભાઈ ચૌધરી પોતાના ખેતરમાંથી ઉત્પાદન કરેલી ખારેકને સ્થાનિક બજારમાં એટલે કે ડીસા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પ૦થી ૧૦૦ રૂપિયા પ્રતિ કિલો પ્રમાણે વેચે છે. આ વેચાણ તેમને વધુ નફાકારક બનાવે છે.
ઉત્પાદન ક્યારે શરૂ થાય છે?
મોટાભાઈએ જણાવ્યું કે, ખારેકનો મુખ્ય પાક છઠ્ઠા મહિના (જૂનના અંત)થી ઉપજવાનું શરૂ કરે છે. દર વર્ષે છાણીયું ખાતર જમીનમાં ઉમેરવામાં આવે છે, જેથી છોડ મજબૂત રહે અને વધુ ઉપજ આપે.
અન્ય ખેડૂતો માટે ઉત્તમ ઉદાહરણ
મોટાભાઈ ચૌધરી માત્ર ખેતી નહીં, પણ વિચારશીલ વ્યવસાયના ઊત્કૃષ્ટ ઉદાહરણ છે. તેઓ આજે અન્ય ખેડૂતો માટે પ્રેરણારૂપ બની ચૂક્યા છે. ઓછા વિસ્તારમાં વધુ આવક અને વૈકલ્પિક ખેતીનો માર્ગ દાખવવા બદલ તેમને ગામમાં નવાઈભર્યા માન સાથે જોવામાં આવે છે.