જામીન અરજી પર હાઇકોર્ટનો નિર્ણય હવે ૫ ઓગસ્ટે
ડેડીયાપાડા તાલુકા સંકલન બેઠક દરમ્યાન થયેલી બોલાચાલી અને તેના પગલે થયેલી હિંસાના આરોપો હેઠળ ધરપકડ કરાયેલા ચૈતર વસાવાની જામીન અરજી પર હાલ ગુજરાત હાઇકોર્ટ દ્વારા અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી. હવે આ અરજી પર સુનાવણી આગામી ૫ ઓગસ્ટે રાખવામાં આવી છે. આથી AAP ધારાસભ્ય ચૈતર વસાવાને વધુ સમય સુધી જેલમાં જ રહેવું પડશે.
આરોપ શું છે અને ઘટના કઈ હતી?
પાંચમી જુલાઈ, ૨૦૨૫ના રોજ જિલ્લા સંકલન સમિતિની બેઠક દરમિયાન ભાજપના સંજય વસાવા અને ચૈતર વસાવા વચ્ચે બોલાચાલી વધતાં હિંસા સુધી પહોંચી હતી. આરોપ છે કે ચૈતર વસાવાએ સંજય વસાવા પર મોબાઇલ અને કાચનો ગ્લાસ ફેંક્યો હતો. ફરિયાદના આધારે પોલીસ દ્વારા તેમના વિરુદ્ધ હત્યાના પ્રયાસ સહિતના ગુનાઓ નોંધાયા બાદ તેમની ધરપકડ કરવામાં આવી હતી….
જિલ્લા કોર્ટમાંથી જામીન ન મળ્યા
મૂળ કેસ રાજપીપળાની કોર્ટમાં ચાલ્યો હતો, જ્યાં ચૈતર વસાવાની જામીન અરજી ફગાવી દેવામાં આવી હતી અને રિમાન્ડ પણ મંજૂર કરાયો ન હતો. ત્યારબાદ તેમના વકીલોએ ગુજરાત હાઇકોર્ટનો દરવાજો ખખડાવ્યો છે. હાલ હાઇકોર્ટએ સુનાવણી ૫ ઓગસ્ટ સુધી મુલતવી રાખી છે.
અગાઉ પણ છે ગંભીર આરોપો
ચૈતર વસાવા અગાઉ પણ અનેક ગંભીર કેસોમાં આરોપી રહી ચૂક્યા છે. વન અધિકારીને ધમકાવવાનો કેસ હોય કે ખંડણીનો આરોપ — તેઓ અગાઉ પણ લગભગ છ અઠવાડિયા સુધી જેલમાં રહી ચૂક્યા છે. તેમજ અંકલેશ્વરમાં થયેલી ઉદ્યોગ સંકળાયેલી ઘટના બાદ અધિકારીઓના કાર્યમાં અડચણ પહોંચાડવાના કેસમાં પણ તેમની ધરપકડ થઈ હતી. હાલ આ તેમનો ત્રીજો જેલવાસ છે.
રાજકીય ગરમાવો અને મહાપંચાયત
આ કેસને લઇને રાજકીય ગરમાવો પણ સર્જાયો છે. AAPના નેતાઓએ ચૈતર વસાવાને ખોટા કેસમાં ફસાવવાનો આરોપ લગાવ્યો છે. આગામી ૨૪ જુલાઈએ મોડાસામાં યોજાનારી ખેડૂતો-પશુપાલકોની મહાપંચાયતમાં પણ આ મુદ્દો ઉઠી શકે છે. આ કાર્યક્રમમાં પાર્ટીના મોટા નેતાઓ પણ હાજર રહેવાના છે.