કોણ છે આ 22 વર્ષનો તોફાની બેટ્સમેન જેકબ બેથેલ? IPL 2026માં ચેમ્પિયન ટીમનો છે હિસ્સો, જાણો કેટલી છે કિંમત
ટી-20 વર્લ્ડ કપ 2026ની બીજી સેમીફાઈનલમાં ભારત સામે ભલે ઇંગ્લેન્ડની હાર થઈ હોય, પણ 22 વર્ષીય યુવા બેટ્સમેન જેકબ બેથેલે પોતાની બેટિંગથી આખા વિશ્વનું ધ્યાન ખેંચ્યું છે. માત્ર 48 બોલમાં 105 રનની ઇનિંગ રમીને તેણે સાબિત કરી દીધું કે તે આગામી સમયનો સુપરસ્ટાર છે. સેમીફાઈનલ જેવી દબાણવાળી મેચમાં 218થી વધુના સ્ટ્રાઈક રેટથી બેટિંગ કરનાર આ ખેલાડી વિશે હવે ભારતીય ફેન્સ વધુ જાણવા આતુર છે.
ત્રણેય ફોર્મેટમાં આંતરરાષ્ટ્રીય સદી ફટકારનાર અનોખો ખેલાડી
જેકબ બેથેલ માટે આવી તોફાની બેટિંગ કોઈ નવી વાત નથી. તેણે અત્યાર સુધી ઇંગ્લેન્ડ માટે 6 ટેસ્ટ, 21 વનડે અને 31 ટી-20 ઇન્ટરનેશનલ મેચ રમી છે. રસપ્રદ વાત એ છે કે, બેથેલ વિશ્વનો એવો પ્રથમ ખેલાડી છે જેણે પોતાની કારકિર્દીની પ્રથમ લિસ્ટ-એ, ફર્સ્ટ ક્લાસ અને ટી-20 સદી સીધી આંતરરાષ્ટ્રીય મેચોમાં જ ફટકારી છે. તેણે 2024માં ઓસ્ટ્રેલિયા સામે ડેબ્યુ કર્યું હતું અને ત્યારથી તે સતત પ્રભાવશાળી પ્રદર્શન કરી રહ્યો છે.
IPL 2026માં કઈ ટીમ તરફથી રમશે બેથેલ?
વર્લ્ડ કપમાંથી ઇંગ્લેન્ડ બહાર થયા બાદ હવે ખેલાડીઓ આઈપીએલ (IPL) ની તૈયારીઓમાં વ્યસ્ત થઈ જશે. જેકબ બેથેલ આગામી આઈપીએલ સીઝનમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) તરફથી રમતો જોવા મળશે. આરસીબીએ તેને આ સીઝન માટે 2.80 કરોડ રૂપિયામાં રિટેન કર્યો છે. ગત સીઝનમાં પણ તે આરસીબીનો હિસ્સો હતો, જ્યાં તેને 2 મેચ રમવાની તક મળી હતી અને તેણે 55 રનના હાઈએસ્ટ સ્કોર સાથે કુલ 67 રન બનાવ્યા હતા.
બાર્બાડોસથી ઇંગ્લેન્ડ સુધીની સફર
જેકબ બેથેલની કહાની ખૂબ જ પ્રેરણાદાયી છે. 13 વર્ષની ઉંમરે તેને રગ્બી સ્કૂલમાં ક્રિકેટ સ્કોલરશિપ મળી અને તે બાર્બાડોસ છોડીને ઇંગ્લેન્ડ આવી ગયો હતો. અહીં તેણે વોરવિકશાયરની યુથ ટીમમાં સ્થાન મેળવ્યું અને માત્ર 17 વર્ષની ઉંમરે પ્રોફેશનલ કોન્ટ્રાક્ટ સાઈન કર્યો. 2022ના અંડર-19 વર્લ્ડ કપમાં દક્ષિણ આફ્રિકા સામે 42 બોલમાં 88 રન ફટકારીને તેણે પોતાની ક્ષમતાનો પરિચય આપ્યો હતો.
ઓલરાઉન્ડર તરીકેની ખાસિયત
બેથેલ માત્ર બેટિંગ જ નહીં, પણ પોતાની સ્પિન બોલિંગથી પણ ટીમને મદદરૂપ થઈ શકે છે. તેની આ ઓલરાઉન્ડ ક્ષમતાને કારણે જ તે વિશ્વની વિવિધ ટી-20 લીગમાં પણ ખૂબ માંગમાં રહે છે. આરસીબીના ચાહકો આશા રાખી રહ્યા છે કે જે ફોર્મ તેણે વર્લ્ડ કપની સેમીફાઈનલમાં બતાવ્યું છે, તેવું જ પ્રદર્શન તે આઈપીએલમાં પણ ચાલુ રાખશે.

