20 પગથિયા દૂર અને આવ્યો બ્રેન સ્ટોક
વડોદરા શહેરના તરસાલી વિસ્તારની ચંદ્રનગર સોસાયટીમાં રહેતા 50 વર્ષીય શિવભક્ત મહેશભાઈ ઉત્તેકર અમરનાથ યાત્રા પર ગયા હતા. તેઓ જ્યારે ગુફાના માત્ર 20 પગથિયાં દૂર હતા, ત્યારે અચાનક જમીન પર પડી ગયા. આ ઘટનાથી તેઓને તાત્કાલિક બ્રેન હેમરેજ થયું હતું.
શ્રીનગરમાં ચાલી સારવાર
ઘટનાના તરત બાદ તેમને તાત્કાલિક શ્રીનગરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સતત દસ દિવસ સુધી તેમની સારવાર ચાલી હતી. દુઃખદ વાત એ છે કે આ તમામ પ્રયાસો નિષ્ફળ ગયાં અને છેલ્લે સોમવારના રોજ તેમનું અવસાન થયું.
પરિવારમાં શોકનો માહોલ, પુત્ર પણ આજે વડોદરા પરત ફરશે
મહેશભાઈના મૃત્યુના સમાચાર મળતાં જ તેમના પરિવારજનોમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે. મળતી માહિતી અનુસાર, મહેશભાઈનો પુત્ર હૈદરાબાદમાં ભારતીય સેવામાં ફરજ બજાવે છે અને તે પણ આજ સાંજ સુધીમાં વડોદરા પરત આવશે. તેમનું પાર્થિવ દેહ આજે સાંજે વડોદરા લાવવામાં આવશે.
મહેશભાઈએ અમરનાથ યાત્રા દરમિયાન આનંદપૂર્વક નાચતા-ગાતા વીડિયો પણ ઉતાર્યા હતા. તેઓ અન્ય ભક્તો સાથે યાત્રાનો આનંદ માણી રહ્યા હતા. છતાં, જીવન અચાનક કયા વળાંકે લઈ જાય એ કોઈ કહી શકતું નથી. હજારો કિલોમીટરની યાત્રા પછી, દર્શન પહેલા જ જિંદગીનો અંત આવી ગયો.