હેરી બ્રુક કે વિલ જેક્સ? અક્ષર પટેલે આપ્યો સાફ જવાબ, જાણો કયો કેચ હતો સૌથી મુશ્કેલ
મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી T20 વર્લ્ડ કપ 2026ની સેમીફાઈનલમાં ભારતની જીત બાદ ભલે જસપ્રીત બુમરાહ અને સંજુ સેમસનની ચર્ચા થતી હોય, પરંતુ અક્ષર પટેલના યોગદાનને કોઈ ભૂલી શકે તેમ નથી. ગુજરાતના આ ઓલરાઉન્ડરે પોતાની ગજબની ફિલ્ડિંગથી એકલા હાથે ભારતને મેચમાં ટકાવી રાખ્યું હતું. અક્ષરે બે એવા અદભૂત કેચ પકડ્યા કે જેને જોઈને મહાન ફિલ્ડર જોન્ટી રોડ્સ પણ પ્રભાવિત થઈ ગયા હતા.
પહેલો કમાલ: હેરી બ્રુકનો ડાઈવિંગ કેચ
મેચની પાંચમી ઓવરના પહેલા જ બોલે જસપ્રીત બુમરાહની બોલિંગમાં અક્ષર પટેલે હવામાં ડાઈવ લગાવીને ઈંગ્લેન્ડના કેપ્ટન હેરી બ્રુકનો કેચ ઝડપ્યો હતો. બ્રુક માત્ર સાત રન બનાવી આઉટ થયો હતો. અક્ષરે પાછળની તરફ દોડીને જે રીતે સંતુલન જાળવી કેચ પકડ્યો તે ખરેખર કાબિલે તારીફ હતું. આ કેચ બાદ સાથી ખેલાડીઓએ અક્ષરને ઘેરી લીધો હતો.
બીજો ટર્નિંગ પોઈન્ટ: વિલ જેક્સની વિકેટ
બીજી મહત્વની ક્ષણ 14મી ઓવરમાં આવી જ્યારે વિલ જેક્સ અને જેકબ બેથેલ ભારત પાસેથી મેચ છીનવી રહ્યા હતા. અર્શદીપ સિંહના બોલ પર અક્ષરે દોડીને બાઉન્ડ્રી પાસે બોલ પકડ્યો, પરંતુ સંતુલન બગડતા તેણે ચતુરાઈથી બોલ હવામાં ઉછાળી શિવમ દુબે તરફ ફેંક્યો. દુબેએ કેચ પૂરો કર્યો અને ભારતને જેક્સની મહત્વની વિકેટ મળી. આ ફિલ્ડિંગ જોઈને હેડ કોચ ગૌતમ ગંભીર પણ ડગઆઉટમાં ઉભા થઈને તાળીઓ પાડવા લાગ્યા હતા.
અક્ષરને કયો કેચ વધુ પસંદ આવ્યો?
ઈંગ્લેન્ડ સામે સાત રનની રસાકસી ભરી જીત બાદ જ્યારે અક્ષરને પૂછવામાં આવ્યું કે તેને બ્રુક અને જેક્સમાંથી કયો કેચ વધુ ગમ્યો, ત્યારે તેણે પરિસ્થિતિ મુજબ જવાબ આપ્યો. 32 વર્ષીય અક્ષરે કહ્યું, “ફિલ્ડિંગની દ્રષ્ટિએ જોઉં તો હેરી બ્રુકનો કેચ વધુ મુશ્કેલ હતો. પરંતુ જો મેચની સ્થિતિ અને ભાગીદારી તોડવાની વાત હોય, તો વિલ જેક્સનો કેચ લેવો ખૂબ જ જરૂરી હતો.” તેણે હસતા હસતા એમ પણ ઉમેર્યું કે, “આજે મને એવું લાગતું હતું કે બોલ મારો પીછો કરી રહ્યો છે.”
હોમ ગ્રાઉન્ડ પર ફાઈનલ અને પુત્રની હાજરી
મેચમાં અક્ષરે 3 ઓવરમાં 35 રન આપીને ટોમ બેન્ટનની વિકેટ પણ લીધી હતી. હવે રવિવાર, 8 માર્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ફાઈનલ રમાશે. અક્ષર માટે આ મેચ ખૂબ જ ખાસ છે કારણ કે તે તેનું હોમ ગ્રાઉન્ડ છે.
અક્ષરે ગર્વ સાથે કહ્યું, “બે વર્ષ પછી હું મારા હોમ ગ્રાઉન્ડ પર રમીશ અને તે પણ વર્લ્ડ કપની ફાઈનલ. સૌથી વિશેષ વાત એ છે કે મારો દીકરો પણ મારી પહેલી મેચ લાઈવ જોશે, જે મારા માટે ખૂબ જ ગર્વની વાત છે.”

