મ્યાનમારમાં ગુમ થયેલ સૈન્ય વિમાનનો કાટમાળ અંડમાન ટાપુ નજીક સમુદ્રમાંથી મળી આવ્યો છે. નેવી જહાજ વહેલી સવારથી ગુમ થયેલ આ વિમાનને શોધી રહ્યુ હતું. તેનો કાટમાળ મળી આવતા વિમાનમાં સવાર તમામ ૧૧૬ લોકોના મોત થયા હોવાનુ માની લેવામાં આવ્યુ છે. જેમાં એક ડઝનથી વધુ બાળકોનો સમાવેશ થાય છે.
મ્યેઈક શહેરના પર્યટન અધિકારી નૈગ લીન જોયે જણાવ્યુ હતું કે, અમને વિમાનના ટૂકડાઓ દવેઈ શહેરથી ૨૧૮ કિલોમીટર દૂર સમુદ્રમાંથી મળી આવ્યા છે. વિમાનમાં સવાર લોકોની શોધખોળ ચાલી રહી છે. જોકે, આ પૈકી કોઈપણ જીવીત હોય તેવી નહીવત શક્યતા છે. આ વિમાનમાં કુલ ૧૧૬ લોકો સવાર હતા. માનવામાં આવી રહ્યુ છે કે, મ્યાનમારના દક્ષિણી શહેર મ્યેઈક અને યાંગુન વચ્ચેથી આ વિમાન ગુમ થયુ હતું. મ્યાનમાર આર્મીના કમાન્ડર ઈન ચીફના કાર્યાલય તરફથી જાહેર કરવામાં આવેલ કાર્યક્રમ મુજબ દાવેઈથી લગભગ ૨૦ માઈલ દૂર પશ્ચિમમાં વિમાન પહોંચ્યા બાદ તેની સાથેનો સંપર્ક અચાનક તુટી ગયો હતો. ત્યારબાદ નેવીના જહાજોની મદદથી સર્ચ અભિયાન હાથ ધરવામાં આવ્યુ હતું. જે દરમિયાન બુધવારે મોડી સાંજે આ વિમાનનો કાટમાળ અંડમાન ટાપુ નજીક સમુદ્રમાંથી મળી આવ્યો છે.
સુત્રોના જણાવ્યા મુજબ વિમાનમાં મ્યાનમાર સેનાના ૧૦૫ જવાનો અને તેમના પરિવારજનો ઉપરાંત ૧૧ ક્રૂ મેમ્બરો સવાર હતા. આ દુર્ઘટનાના પગલે મ્યાનમારમાં શોકની લાગણી પ્રવર્તી જવા પામી છે. સેના દ્વારા વિમાનમાં સવાર લોકોને શોધવા હજી પ્રયત્ન કરાઈ રહ્યા છે. જોકે કોઈ જીવીત મળે તેવી શક્યતા નહિવત છે.