70 હજારથી વધુ લોકોના અભદ્ર ભાષાના વપરાશનું ચોંકાવનારું ચિત્ર સામે આવ્યું
દેશના સૌથી મોટા શહેરો અને રાજ્યોમાં લોકો દૈનિક જીવનમાં કેટલીક વખત અભદ્ર ભાષાનો ઉપયોગ કરે છે, તેની પરિસ્થિતિ સામે આવી છે. ‘ઘરે ગાળો નહીં બોલો’ નામની પહેલ હેઠળ 11 વર્ષ સુધી ચાલેલા વિશાળ સર્વેમાં દેશના 70 હજારથી વધુ નાગરિકોની ભાષાની આદતનું નિરીક્ષણ કરવામાં આવ્યું.
દિલ્હી ગાળો બોલવામાં નંબર એક
આ સર્વે મુજબ, દેશની રાજધાની દિલ્હીમાં રહેતા આશરે 80 ટકા લોકો દરરોજ ગાળો આપે છે. માતા, બહેન કે પુત્રીઓની અવમાનનાત્મક રીતે ઉલ્લેખ કરતી ભાષા ત્યાં સામાન્ય બની ગઈ છે.
પંજાબ, યુપી અને બિહાર પણ ટોચે
સર્વે અનુસાર પંજાબ 78 ટકા સાથે બીજા નંબરે છે. જ્યારે ઉત્તર પ્રદેશ અને બિહાર બંને 74 ટકા સાથે ત્રીજા સ્થાને છે. રાજસ્થાન (68%) અને હરિયાણા (62%) પણ ઉપરની યાદીમાં છે.
ગુજરાતનો નંબર ?
ગુજરાતમાં આ આંકડો 55 ટકા છે, જે દેશમાં મધ્યમ દર તરીકે ગણવામાં આવે છે. એટલે કે ગુજરાતના લગભગ અડધી વસતી દરરોજ કોઈ ન કોઈ રીતે અભદ્ર ભાષાનો ઉપયોગ કરે છે. તેમ છતાં, સુરત શહેર વિશે જે વાત બહોળી રીતે ચર્ચાઈ છે કે ત્યાં વધારે ગાળો બોલાય છે – એ યોગ્ય નથી. સર્વેમાં ખુલ્યું છે કે સુરત શહેરના લોકો ઘણી હદ સુધી શિષ્ટ અને સંયમી ભાષાનો ઉપયોગ કરે છે.
મહારાષ્ટ્ર, એમપી અને ઉત્તરાખંડમાં પણ ચિંતાજનક સ્થિતિ
મહારાષ્ટ્રમાં 58 ટકા, મધ્યપ્રદેશમાં 48 ટકા અને ઉત્તરાખંડમાં 45 ટકા લોકો નિયમિત રીતે ગાળો બોલે છે.
11 વર્ષનો વ્યાપક અભ્યાસ
આ સર્વે ડૉ. સુનિલ જગલાના માર્ગદર્શન હેઠળ હાથ ધરાયો હતો. તેઓ મહર્ષિ દયાનંદ યુનિવર્સિટીમાં પ્રાધ્યાપક છે અને ‘સેલ્ફી વિથ ડોટર’ ફાઉન્ડેશનના સ્થાપક છે. તેમણે ‘ગાલી બંધ ઘર અભિયાન’ શરૂ કર્યું હતું અને તેનું મુખ્ય ઉદ્દેશ હતું કે ઘરમાં ગાળાનો ઉપયોગ થવો બંધ થાય.
સર્વેમાં એવા લોકોને સામેલ કરવામાં આવ્યા જેમણે સમાજના વિવિધ ક્ષેત્રોનું પ્રતિનિધિત્વ કર્યું હતું — યુવાનો, માતાપિતા, શિક્ષકો, ડ્રાઈવર, વિદ્યાર્થીઓ, પોલીસકર્મીઓ, વકીલો, ઉદ્યોગપતિઓ, રાજકીય નેતાઓ વગેરે.
સુરત જેવા શહેરો વિશે જુઠ્ઠા ધારણાઓ બનાવવામાં આવે છે, પણ આ સર્વે એ સાબિત કરે છે કે સત્ય તેના વિરુદ્ધ છે. ભાષાના આ પ્રકારના વપરાશ સામે જનજાગૃતિ અને પરિવારમાં સંસ્કારનો વારસો જ એકમાત્ર જવાબદારીભર્યો રસ્તો છે.