અમદાવાદ: સામાન્ય રીતે બોર્ડના પરિણામ આવ્યા બાદ વિદ્યાર્થીઓ પોતાનું કરિયર નક્કી કરવામાં પરોવાઈ જતાં હોય છે, પરંતુ અમદાવાદના વર્શિલ શાહની વિચારધારા કઈક અલગ છે.
ધોરણ 12માં 99.99 ટકા મેળવનાર વર્શિલ શાહ IITમાં જવાના સપના જોવાની બદલે દીક્ષા લઈ રહ્યો છે. અમદાવાદના મધ્યમવર્ગીય પરિવારનો વર્શિલ 8 જૂનના રોજ દીક્ષા લેશે. ગુજરાત હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડમાં વર્શિલે ટોપ કર્યું છે. વર્શિલના માતા-પિતા તેના આ નિર્ણયથી ખુશ છે.
વર્શિલના પિતા જીગરભાઈ ઇન્કમ ટેક્સ વિભાગના ઓફિસર છે. જીગરભાઈના જણાવ્યા અનુસાર, તેનો પરિવાર ખૂબ આધ્યાત્મિક છે. તેમની પત્ની અમીને ધર્મ અને અધ્યાતમ પ્રત્યે વધુ લગાવ છે. જ્યારે વર્શિલનું વેકેશન હોતું ત્યારે તે ક્યાય બહાર જવાના બદલે સત્સંગમાં જવાનું વધુ પસંદ કરતો હતો.
આ સત્સંગ દરમિયાન જ વર્શિલ જૈન મુનિઓ અને સન્યાસીઓના સંપર્કમાં આવ્યો જે સન્યાસી બન્યા પહેલા ડોકટર, એન્જીનયર અને સીએ હતા પરંતુ તેમને સાચી ખુશી દીક્ષા લીધા પછી જ મળી હતી.