[highlight]યુવકના કસ્ટોડિયલ ડેથના મામલે હવે આ ઘટનાના વિરોધમાં આજે ઉત્તર ગુજરાત બંધ એલાન જાહેર કરવામાં આવ્યુ છે.[/highlight]
જવાબદાર પોલિસ અધિકારી સામે પગલાં લેવાશે:નીતિન પટેલ
મહેસાણામાં પોલીસ કસ્ટડીમાં પાટીદાર યુવકની મોતની ઘટનાને રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે વખોડી કાઢી છે. નીતિન પટેલે જણાવ્યુ હતું કે જવાબદાર પોલીસ અધિકારીઓ સામે એફઆઈઆર નોંધવા માટે સરકારે સુચના આપી દીધી છે. તેમણે ઉમેર્યુ હતું કે વીડિયો શુટિંગ સાથે પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યુ છે. તેમજ આંતરીક સુરક્ષા રીપોર્ટ એફએસએલ તપાસ માટે મોકલવામાં આવશે. તેમણે કોંગ્રેસ પર આ મુદ્દે રાજકારણ રમવાનો આક્ષેપ પણ કર્યો હતો. તેમણે જણાવ્યુ કે કોંગ્રેસ રાજકીય હેતુથી ગુજરાતની શાંતિને ડહોળવાનો પ્રયત્ન કરે છે.
મહેસાણામાં પોલીસ કસ્ટડીમાં થયેલ યુવકના મોતના મામલે ગંભીર સ્વરુપ ધારણ કર્યુ છે. યુવકનું મોત પોલીસના મારથી થયુ હોવાના પરિવારના આક્ષેપ બાદ શહેરમાં પોલીસ અને પાટીદારો આમને સામને આવી ગયા છે. પાટીદાર અનામત આંદોલન સમિતિ દ્વારા આ ઘટનાના વિરોધમાં આજે મહેસાણા બંધનું એલાન જાહેર કરવામાં આવ્યુ હતું. બંધ દરમિયાન મહેસાણા નજીક બલોલ ગામમાં ટોળાએ એક એસટી બસ સળગાવી દીધી હતી. જેના પગલે મહેસાણા-રાધનપુર રુટ પર એસટી સેવા બંધ કરવાની ફરજ પડી હતી. આ ઉપરાંત મહેસાણા નગરપાલિકાની કચેરી પર પણ પથ્થરમારો કરાયો હતો.
દરમિયાન કોંગ્રેસ નેતા સિદ્ધાર્થ પટેલ પીડિત પરિવારને મળ્યા હતા અને તેમણે પાટીદારોના બંધના એલાનને સમર્થન જાહેર કર્યુ છે. બીજીબાજુ પોલીસે આ મામલે સમગ્ર તપાસ જ્યુડીશિયલ મેજિસ્ટ્રેટને સોંપવાની જાહેરાત કરી છે.સમગ્ર પરિસ્થિતિને લઈને મહેસાણામાં અત્યારે ભરેલા અગ્નિ જેવી સ્થતિ જોવા મળી રહી છે. જેને ધ્યાનમાં રાખી શહેરમાં મોટો પોલીસ કાફલો તૈનાત કરવામાં આવ્યો છે. પોલીસે સિવિલના ચાર નિષ્ણાંત ડોક્ટરો મારફતે મૃતક યુવકનુ પોસ્ટમોર્ટમ કરાવવામાં આવ્યુ હતું જેનુ વીડિયો રેકોર્ડિંગ પણ કરાયુ છે. પોલીસે આ પોસ્ટમોર્ટમના રીપોર્ટના આધારે કાર્યવાહી કરવાની પણ તૈયારી દર્શાવી છે.