[highlight]૭૩ વર્ષીય ચાર્લ્સ શોભરાજની હોસ્પિટલના બિછાનેથી ઇન્ડિયન એકસપ્રેસ સાથે વાતચીતઃ સજા ઘટે તો પેરીસ જવુ છેઃ નેપાળમાં મારી નાખવાની ધમકી મળી હોવાનો કર્યો ખુલાસોઃ પેરીસ જઇ પોતાના જીવન અને અપરાધ પર પુસ્તક લખવુ છે[/highlight]
નવી દિલ્હી તા.૮ : નેપાળની એક જેલમાં આજીવન કેદની સજા કાપી રહેલા ચાર્લ્સ શોભરાજને ગંભીર બિમારી થઇ છે. બિકીની કિલરના નામથી જાણીતા શોભરાજને ર૦૦૩ની સાલમાં કાઠમંડુના એક કેસીનોમાંથી પકડી લેવામાં આવ્યો હતો. ૭૩ વર્ષનો શોભરાજ પેરીસમાં હૃદયની સર્જરી કરાવવા માટે સજામાં છુટછાટ માંગી રહ્યો છે તે ફ્રાન્સનો નાગરિક છે. થોડા દિવસ પહેલા જ શોભરાજને જેલમાં હૃદયરોગનો હુમલો આવ્યો હતો. કાઠમંડુમાં આવેલ ગંગાલાલ હાર્ટ સેન્ટરમાં શનિવારે તેના વાલ્વ રિપ્લેસમેન્ટ (ઓપન હાર્ટ સર્જરી) થશે.
બિમાર શોભરાજને સાંભળીને તેના પર વિશ્વાસ મુકવાનુ મુશ્કેલ હોય શકે છે કે તે અનેક વિદેશી પ્રવાસીઓનો કુખ્યાત હત્યારો છે. શોભરાજે હોસ્પિટલમાંથી ઇન્ડિયન એકસપ્રેસ સાથે ફોન ઉપર વાત કરી હતી. આ વાતચીત માટે શોભરાજે તંત્ર પાસે પરવાનગી પણ લીધી હતી. શોભરાજે કહ્યુ હતુ કે, મને ખબર નથી કે હું જીવીશ કે નહી. મને કોર્ટમાં મારી નાખવાની ધમકી પણ મળી ચુકી છે. આ સિવાય નેપાળમાં ઓપન હાર્ટ સર્જરી કરાવવાનું ફ્રાન્સની સરખામણીમાં વધુ જોખમ ભરેલુ રહેશે. નેપાળમાં ૩ થી પ ટકા જોખમ છે. જયારે ફ્રાન્સ તે માત્ર ૧ ટકો જોખમ છે પરંતુ ડોકટરોએ નક્કી કર્યુ છે કે મારા હૃદયનો વાલ્વ વહેલામાં વહેલી તકે બદલવાની જરૂર છે કારણ કે એક વાલ્વ બહુ ખરાબ થઇ ગયો છે અને બીજો વાલ્વ આંશિક રીતે ખરાબ છે.
ગંગાલાલ હાર્ટ સેન્ટરમાં પાંચ વર્ષથી શોભરાજનો ઇલાજ કરી રહેલા સીનીયર ડોકટરે જણાવ્યુ હતુ કે, શોભરાજની હાલત બહુ ગંભીર કહી ન શકાય પરંતુ તેઓ બિમાર જરૂર છે. તેને વાલ્વ રિપ્લેસમેન્ટ અને સર્જરીની જરૂર છે. શનિવારે તેની સર્જરી કરવાની છે.
શોભરાજે ઇન્ડિયન એકસપ્રેસને કહ્યુ હતુ કે, મેં મારી મેડીકલ ફાઇલ મિત્રોના માધ્યમથી ફ્રાન્સ અને બ્રિટનના હૃદયરોગના નિષ્ણાંતોને બતાડી છે. ત્યાંના ડોકટરોએ મારી બીમારીનો એ જ ઇલાજ બતાવ્યો જે ઇલાજ નેપાળના ડોકટરોએ બતાવ્યો છે. શોભરાજે કહ્યુ હતુ કે, હું ર૦૧૬ના અંત સુધીમાં કાઠમંડુની જેલમાંથી મુકત થવાની આશા રાખતો હતો પરંતુ મને નહોતુ લાગતુ કે અહીના અધિકારીઓ નથી ઇચ્છતા કે નેપાળમાં રહેતા મને કઇ થાય.
શોભરાજે કહ્યુ હતુ કે, સુપ્રિમ કોર્ટમાં સુનાવણી દરમિયાન એક સ્થાનિક નાગરિક કે જે મારી વિરૂધ્ધ કેસ કરતો રહ્યો છે તેને મને ધમકી આપી હતી કે, તે મને નેપાળમાં મરતો જોવા ઇચ્છે છે. તેથી મેં ફ્રાન્સના દુતાવાસને પત્ર લખ્યો અને મને જણાવાયુ હતુ કે જેલમાં પુરી સુરક્ષા આપવામાં આવશે.
શોભરાજ દિલ્હીની તિહાડ જેલમાં પણ રહી ચુકયો છે. તે જે જેલમાં રહે છે ત્યાં તે સારી સુવિધાઓ માંગતો રહ્યો છે. શોભરાજના કહેવા મુજબ તેને નેપાળની જેલ હોસ્પિટલમાં યોગ્ય ભોજન નથી મળતુ અને ભોજન બનાવવાની પણ પરવાનગી નથી. તે કહે છે કે મને ઘણી નબળાઇ છે અને હું વીલ ચેરમાં બેસી હોસ્પિટલમાં આવ્યો છુ. જો સર્જરી સફળ રહેશે તો હું ફરીથી સજા ઘટાડવા અપીલ કરીશ. ફ્રાન્સ જઇ મારે શું કરવુ છે તેની યોજના મેં બનાવી લીધી છે.
શોભરાજે પોતાની યોજના અંગે વધુ માહિતી ન આપી પરંતુ માનવામાં આવે છે કે તેના જીવન અને અપરાધ પર એક પુસ્તક આવવાની છે. શોભરાજે બ્રિટનની એક ટીવી ચેનલ સાથે પણ કરાર કર્યો છે. આ ટીવી ચેનલ કાઠમંડુથી પેરીસ સુધી જશે અને તેનો વિડીયો પણ બનાવશે.