મુંબઈ : અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યાના કેસમાં પોલીસ આ કેસની તપાસ કરી રહી છે. અભિનેતાના મોબાઈલ રેકોર્ડ મુજબ તેણે રિયા ચક્રવર્તી અને મહેશ શેટ્ટીને છેલ્લા કોલ કર્યા હતા. પરંતુ બંનેએ સુશાંતનો ફોન રિસીવ કર્યો ન હતો. હવે આ કેસને આગળ ધરીને પોલીસ બંનેની પૂછપરછ કરશે.
અહેવાલ મુજબ સુશાંતે 13 જૂને રાત્રે 12 વાગ્યે રિયા ચક્રવર્તી અને મહેશ શેટ્ટીને ફોન કર્યો હતો, પરંતુ બંનેએ કોઈ પ્રતિક્રિયા આપી ન હતી. સુશાંતસિંહ રાજપૂત 14 જૂને સવારે 6:30 વાગ્યે જાગી ગયો હતો. સવારે 9:30 વાગ્યે તેણે બહેન સાથે ફોન પર વાત કરી. સાડા દસ વાગ્યે સુશાંત પોતાની રૂમ છોડીને બહાર આવ્યો અને જ્યુસ લઈને રૂમમાં પાછો ગયો હતો. થોડા સમય પછી ઘર કામમાં મદદ કરનાર વ્યક્તિ (સર્વન્ટ) જ્યારે બપોરના ભોજન માટે પૂછવા ગયો ત્યારે રૂમ બંધ હતો અને તે દરવાજો ખોલતો ન હતો. સાથે રહેતા મિત્રો અને સર્વન્ટે સુશાંતને ફોન કર્યો પણ સુશાંતે ફોન પણ રિસીવ કર્યો નહીં. આના પછી બધા લોકો ડરી ગયા હતા અને તાત્કાલિક ચાવી બનાવડાવી રૂમ ખોલીને જોયું તો સુશાંત ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો.
અભિનેતાની આત્મહત્યા પાછળનું કારણ જાણવા પોલીસ કામે લાગી ગઈ છે. પોલીસ રિયા અને મહેશ સિવાય સુશાંતના અન્ય કેટલાક મિત્રોની પણ પૂછપરછ કરશે. તે જ સમયે, પોસ્ટ મોર્ટમ રિપોર્ટ અનુસાર, સુશાંતનું મોત ફાંસીના કારણે ગૂંગળામણથી થયું હતું.
ચાલો તમને જણાવી દઈએ કે, રિયા ચક્રવર્તી એક જાણીતી મોડેલ અને અભિનેત્રી છે. સુશાંત સાથે તેના અફેરની પણ ચર્ચા થઈ હતી. બંને થોડા સમય પહેલા વેકેશન પર પણ ગયા હતા. તે જ સમયે, મહેશ શેટ્ટીએ સુશાંત સાથે ‘પવિત્ર રિશ્તા’માં કામ કર્યું છે. તે સુશાંતનો સહ-અભિનેતા અને મિત્ર પણ હતો.