જો તમારી પાસે પરમીટ (Liqour Permit) નથી તો તમે દારૂનું સેવન કરી શકતા નથી. પરંતુ બીજી હકીકત એવી પણ છે કે પોલીસ (Gujarat Police) ની રહેમ નજર હેઠળ જ રાજ્યમાં છૂટથી માંગો તે બ્રાન્ડનો દારૂ મળી રહે છે. સામાન્ય રીતે જ્યારે પોલીસ દારૂનો કેસ કરે છે ત્યારે મુદ્દામાલમાં બાઇક કે કાર જમા લે છે. પીસીબીએ પણ આવો જ એક કેસ કર્યો છે, પરંતુ નવાઈની વાત એ છે કે બે શખ્સો જે દારૂની બોટલ સાથે પકડાયા તેની કિંમત બે હજાર હતી. 25 લાખની કારમાં સસ્તા દારૂની બોટલ સાથે બે શખ્સો ઝડપાતા પોલીસને આ વાત ગળે નથી ઉતરી રહી.
લૉકડાઉનની અસરને કારણે હવે ધનાઢ્ય લોકો પણ સસ્તા દારૂના રવાડે ચઢ્યા છે. પીસીબીની ટીમ પૂર્વ વિસ્તારમાં કાર્યરત હતી. તે દરમિયાન રામોલ પાંજરાપોળ રોડ પર એક હાઇફાઈ કાર રોડ બાજુ પાર્ક કરેલી હતી. આ કારની પાર્કિંગ લાઈટ પણ ચાલુ હતી. તેવામાં પોલીસે પહોંચીને આ કારમાં બેઠેલા લોકોને ઉતાર્યા હતા. બાદમાં કારની તલાસી લીધી હતી. 25 લાખની કિંમતની ફોર્ડ એન્ડેવિયરમાંથી પોલીસને એક બોટલ મળી આવી હતી. દારૂની બોટલ કોઈ ઊંચી બ્રાન્ડ કે મોંઘીદાટ ન હતી પણ માત્ર બે હજારની કિંમતની હતી. પોલીસે 25 લાખની કાર કબ્જે લીધી અને બે હજારની દારૂની બોટલ પણ કબ્જે લઈ પ્રોહિબિશનનો કેસ કર્યો હતો. એક સામાન્ય કેસમાં મુદ્દામાલ 25 લાખનો થતા અન્ય પોલીસ માટે પણ આ વાત ગળે ઉતારવી મુશ્કેલ બની હતી. આ કેસ પરથી એક વાત માની શકાય કે લાખોની ગાડીમાં ફરતા લોકો મોંઘો દારૂ પીવાના બદલે લૉકડાઉનને કારણે સસ્તા દારૂના નશા તરફ ધકેલાયા છે.