રાજ્ય સરકારે ગત મહિને 18000 પોલીસ કર્મચારીઓની નિમણૂંકના પત્ર આપવાનો કાર્યક્રમ અમદાવાદ રિવરફ્રન્ટ પર યોજીને રાજ્યની પ્રજાને મુર્ખ બનાવવાનું કામ કર્યું છે. ચૂંટણીઓ આવતી હોવાથી 18000 પોલીસ કર્મચારીઓની એક વર્ષની તાલીમ પુરી થાય તે પહેલા જ તેમને નિમણૂંક પત્રો આપી દેવાયા હતા.
ગુજરાત પોલીસ દળમાં પોલીસ કર્મચારીઓની મોટી ઘટ છે. આ ઘટ પુરી કરી હોવાનો રાજ્ય સરકાર દાવો કરી રહી છે પણ હકીકત કાંઈક જુદી જ છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગયા મહિને સાબરમતિ રિવરફ્રન્ટ પર 18000 પોલીસ કર્મચારીઓને નિમણૂંક પત્રો એનાયત કરવાનો કાર્યક્રમ યોજ્યો હતો પરંતુ ઉચ્ચ પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર 18000 પોલીસ કર્મચારીઓની એક વર્ષની તાલીમ પુરી કર્યા વગર જ તેમને નિમણૂંક પત્રો આપી દેવામાં આવ્યા હતા.
હકીકતમાં પોલીસ કર્મચારીઓની ભરતી કરવામાં આવ્યા બાદ તેમની પોલીસ તાલીમ શાળામાં એક વર્ષની સખત તાલીમ આપવામાં આવે છે. જેમાં તેમને પોલીસની ડ્યૂટી, કાયદા કાનૂન અને આરોપીઓ સાથેના ઈન્ટ્રોગેશન સુધીની તમામ તાલીમ આપવામાં આવે છે અને ત્યાર બાદ જ તેમને નિમણૂંક પત્ર આપવામાં આવે છે, પણ આ વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણીઓ આવી રહી હોવાથી પ્રજાને મુર્ખ બનાવવા તાલીમ પુરી કર્યા પહેલા જ આ પોલીસ કર્મીઓના હાથમાં તેમના નિમણૂંક પત્રો આપી દેવામાં આવ્યા હતા.
સરકારે જે પોલીસ કર્મચારીઓને નિમણૂક પત્રો આપ્યા છે તે પોલીસ કર્મીઓને રાજ્યના તમામ જિલ્લાઓમાં તાલીમ માટે સોંપી દેવાયા છે. રાજ્યની પોલીસ તાલીમ શાળા કરાઈ ઉપરાંત જિલ્લાઓમાં પણ પોલીસને તાલીમ આપવામાં આવશે. રાજ્ય સરકાર પોલીસ કર્મચારીઓની તાલીમની ગ્રાન્ટ અગાઉ જે પોલીસ તાલીમ શાળાને આપતી હતી તે હવે જિલ્લાઓમાં વહેંચી દેવામાં આવી છે.
એક બાજુ રથયાત્રા, ઈદ અને ત્યાર બાદ તહેવારો આવી રહ્યા હોવાથી પોલીસ બંદોબસ્તમાંથી નવરી પડતી નથી ઉપરાંત વિધાનસભાની ચૂંટણીઓ આવી રહી હોવાથી પોલીસના માથે બમણી કામગીરી છે ત્યારે રાજ્ય સરકાર પોતાની વોટબેન્ક સાચવવા તાલીમ પુરી કર્યા વગર નિમણૂંક પત્રો આપીને પોલીસ કર્મચારીઓને તાલીમ આપવાની જવાબદારી પણ જિલ્લા પોલીસના માથે નાંખી દીધી છે.