પતંજલિ યોગપીઠના આચાર્ય બાલકૃષ્ણએ દાવો કર્યો છે કે, બે અઠવાડિયામાં કોરોનાની દવા તૈયાર થઈ જશે અને બજારમાં ઉપલબ્ધ પણ થઈ જશે. એમનું કહેવું છે કે, આયુર્વેદિક દવાઓના એક ખાસ પ્રકારના મિશ્રણથી કોરોના વાયરસની સારવાર કરવી શકય છે અને આ દવાઓનું મિશ્રણ રસી તરીકે પણ સારું કામ કરે છે.
આચાર્ય બાલકૃષ્ણના કહેવા પ્રમાણે છેલ્લા પાંચ મહિનાથી આ વિશે સંશોધન ચાલી રહ્યું હતું અને ઉંદરો પર અનેક પરીક્ષણ કરવામાં આવ્યા, જેમાં સફળતા મળી છે. એમના કહેવા પ્રમાણે જરૂરી કિલનિકલ કેસ સ્ટડી પણ થઈ ચુકી છે, તેમજ કિલનિકલ ટ્રાયલ છેલ્લાં તબક્કામાં છે. ટૂંક સમયમાં એનો ડેટા મળી જશે, અને તેનું ફાઇનલ એનાલિસિસ કરીને બે અઠવાડિયામાં તો દવા બજારમાં મુકી દેવાશે.
આચાર્યનું કહેવું છે કે, ચાર મહિનાના સંશોધન પછી જાણવા મળ્યું છે કે, અશ્વગંધા, ગિલોય (ગળો), તુલસી, શ્વસારિ રસ અને અણુ તેલને ચોક્કસ પ્રમાણમાં લેવાથી કોરોનાનો ચેપ સારો જ નથી જતો, પણ જો નિયમિત ઉપયોગ કરવામાં આવે તો ભવિષ્યમાં પણ ફરી કોરોના નહીં થાય.
છેલ્લાં મહિનાઓમાં 12થી વધુ સંશોધકોએ 150 થી વધુ ઔષધિઓના 1500 થી વધુ સંયોજનો સાથે દિવસ અને રાત પ્રયોગ કર્યો છે. આચાર્ય બાલકૃષ્ણનો દાવો છે કે આ દવા ઘણાં બધાં કોરોના પોઝિટિવ દર્દીઓને વિવિધ સ્થળોએ આપવામાં આવી હતી, જેમાંથી 80 ટકા લોકો સાજા થયા છે.
એમનું રિસર્ચ પેપર અમેરિકાના વાયરોલોજી રિસર્ચ મેડિકલ જર્નલમાં પ્રકાશિત કરવા માટે મોકલી દેવાયું છે, અને તે પ્રિ-કવોલિફિકેશન તબક્કામાં છે. પતંજલિ અનુસંધાન સંસ્થાનનું કહેવું છે કે, ચીનમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો જોઈને યોગગુરુ બાબા રામદેવની સલાહ-સૂચન મુજબ જાન્યુઆરીમાં જ સંશોધન શરૂ કરી દેવાયું, જેમાં 5 મહિલાઓ સહિતની 14 વૈજ્ઞાનિકોની ટીમ કામે લાગી અને 5 મહિનાની મહેનત પછી આ પરિણામ મળ્યું.