પાકિસ્તાન અને શ્રીલંકા બાદ હવે ન્યૂઝીલેન્ડનો ‘શરમજનક ક્લબ’માં પ્રવેશ: ફાઈનલમાં હારતા જ બન્યો નવો રેકોર્ડ
T20 વર્લ્ડ કપ 2026ના ખિતાબી મુકાબલામાં ન્યૂઝીલેન્ડને ભારત સામે કારમી હારનો સામનો કરવો પડ્યો છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી આ ફાઈનલ મેચમાં ભારતીય ટીમે કીવી ટીમ પર 96 રનથી પ્રચંડ વિજય મેળવીને ત્રીજી વખત ટ્રોફી પર કબજો જમાવ્યો. આ હાર સાથે જ ન્યૂઝીલેન્ડનું પ્રથમ વખત વર્લ્ડ ચેમ્પિયન બનવાનું સપનું ફરી એકવાર ચકનાચૂર થઈ ગયું છે.
ફાઈનલમાં કીવી બેટ્સમેનોનું શરણાગતિ
સેમીફાઈનલમાં દક્ષિણ આફ્રિકાને 9 વિકેટે હરાવીને ફાઈનલમાં પહોંચેલી ન્યૂઝીલેન્ડની ટીમ પાસેથી ચાહકોને ઘણી અપેક્ષાઓ હતી. જોકે, ફાઈનલમાં ભારત દ્વારા આપવામાં આવેલા 256 રનના વિશાળ લક્ષ્યાંકનો પીછો કરતા કીવી ટીમ માત્ર 159 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારતીય બોલિંગ આક્રમણ સામે ન્યૂઝીલેન્ડનો કોઈ પણ બેટ્સમેન લાંબો સમય ટકી શક્યો નહીં, જેને પરિણામે તેમણે રન રેટના દબાણમાં વિકેટો ગુમાવી દીધી.
બીજી વખત ફાઈનલ હારવાનો અનિચ્છનીય રેકોર્ડ
આ હારની સાથે જ ન્યૂઝીલેન્ડ ક્રિકેટ ટીમના નામે એક એવો રેકોર્ડ નોંધાયો છે જે કોઈ પણ ટીમ ઈચ્છતી નથી. ન્યૂઝીલેન્ડ હવે એવી ત્રીજી ટીમ બની ગઈ છે જેણે એક કરતા વધુ વખત T20 વર્લ્ડ કપની ફાઈનલ ગુમાવી હોય. અગાઉ 2021ના વર્લ્ડ કપ ફાઈનલમાં પણ ઓસ્ટ્રેલિયા સામે ન્યૂઝીલેન્ડની હાર થઈ હતી. આ યાદીમાં હવે ન્યૂઝીલેન્ડ પાકિસ્તાન અને શ્રીલંકાની હરોળમાં આવી ગયું છે.
એકથી વધુ T20 વર્લ્ડ કપ ફાઈનલ હારનારી ટીમો
- પાકિસ્તાન: 2 (2007 અને 2022)
- શ્રીલંકા: 2 (2009 અને 2012)
- ન્યૂઝીલેન્ડ: 2 (2021 અને 2026)
ટૂર્નામેન્ટમાં ન્યૂઝીલેન્ડની સફર
હાર છતાં આ ટૂર્નામેન્ટમાં ન્યૂઝીલેન્ડનું પ્રદર્શન પ્રશંસનીય રહ્યું હતું. તેમણે કુલ 9 મેચ રમી હતી:
ગ્રુપ સ્ટેજ: 4 માંથી 3 મેચમાં જીત મેળવી. એકમાત્ર હાર દક્ષિણ આફ્રિકા સામે થઈ હતી.
સુપર-8: અહીં પણ કીવી ટીમે 3 માંથી 2 મેચ જીતી હતી, જ્યારે પાકિસ્તાન સામેની એક મેચ વરસાદને કારણે રદ થઈ હતી.
નોક-આઉટ: સેમીફાઈનલમાં શાનદાર જીત મેળવીને તેઓ ફાઈનલ સુધી પહોંચ્યા હતા.

