વેસુ VIP કેનાલ રોડ પર કેનાલ વોક શોપર્સના કોમ્પલેક્ષની બહારથી શેરદલાલ કમ ફાઇનાન્સરનું શનિવારે બે બદમાશોએ કારમાં અપહરણ કર્યુ હતું. 4 થી 5 કરોડની લેતીદેતી મામલે કાપોદ્રાના ઉમેશ માવાણીએ તેના મિત્ર જીગ્નેશ ગોહિલ મારફતે વેપારીને દમદાટી આપવા માટે અપહરણ કર્યું હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. શેરદલાલના પાર્ટનર ચિત્રાંગ મોદીએ ઉમરા પોલીસને જાણ કરી હતી. ઉમરા પોલીસે CCTV ની તપાસ કરતાં ગાડીનો નંબર પણ મળી ગયો હતો.
અપહરણકર્તાઓ વેપારી કલ્પેશ બોસમીયાને મહુવેજ નજીક ઉતારી ભાગી ગયા હતા. કિમથી કલ્પેશે તેના ભાઈને ફોન કરી બોલાવ્યો હતો. આ ઘટનામાં ક્રાઇમબ્રાંચે બે મુખ્ય સૂત્રધારોને દબોચી લીધા હતા. દલાલનું અપહરણનું કારણ પૈસાની લેતીદેતી હોવાનું પોલીસસૂત્રોએ જણાવ્યું છે. શેરદલાલ કલ્પેશે જણાવ્યું કે બે જણા મારૂં અપહરણ કરી ગયા હતા. એક ફાર્મમાં લઇ જઇ માર માર્યા પછી હાઇવે પર લઈ ગયા હતા.બંનેએ મારી પાસે 28 કરોડની ખંડણી માંગી હતી. ખંડણી શા માટે માંગી તે અંગે મને કશું ખબર નથી.