આવકવેરા વિભાગ તરફથી સ્ક્રુટિની માટે આવેલી નોટિસનો ડોક્યુમેન્ટ્સ સાથે જવાબ આપવાનું હવે માત્ર એક જ ક્લિક જેટલું સરળ બની જશે. હવે તમારે આવકવેરા વિભાગની ઓફિસના ચક્કર કાપવા નહીં પડે અને ફાઈલ બતાવવી નહીં પડે. કરદાતા પોતાના ડોક્યુમેન્ટ્સ આવકવેરા વિભાગની વેબસાઈટ પર સીધા જ અપલોડ કરી શકશે. આ માટે વિભાગ ટૂંક સમયમાં જ તેની ઈ-ફાઈલિંગ વેબસાઈટ પર આ માટેની લિક્ન મૂકી દેશે.
આવકવેરા વિભાગના અધિકારીએ કહ્યું હતું કે ‘આ પહેલ દ્વારા અમે વિભાગને કરદાતા માટે વધુ સાનુકૂળ બનાવવા માગીએ છીએ. હ્યુમન ઈન્ટરફેસ ઓછું કરવાનો પણ અમારો હેતુ છે.’ આવકવેરા વિભાગ આ ઉપરાંત ટૂંક સમયમાં એસએમએસ દ્વારા પણ સ્ક્રુટિની નોટિસની માહિતી મોકલશે.
તેમણે કહ્યું કે ‘અમે રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર પણ એસએમએસ મોકલીને કરદાતાને કહીશું કે તમને નોટિસ મોકલાવાઈ છે, જેને આધારે કરદાતા ઈ-ફાઈલિંગ પોર્ટલ પર જઈને નોટિસ જોઈ શકશે.’ આ સેવા શરૃ થશે તે પછી કરદાતાને જો કોઈ નોટિસ મળશે તો એસએમએસથી એલર્ટ મોકલાશે. ત્યારબાદ કરદાતા સાઈટ પર જઈને જરૃરી દસ્તાવેજ અપલોડ કરી શકે છે. હાલમાં કરદાતાને અને ખાસ કરીને પગારદાર વર્ગને ટીડીએસ કપાત અંગે એસએમએસ કરવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે વર્ષ ૨૦૧૪-૧૫ના એસેસમેન્ટ વર્ષમાં ૩.૬૫ કરોડ કરદાતાઓએ ટેક્સ રિટર્ન ભર્યા હતા, જે પૈકી માત્ર એક ટકાને જો સ્ક્રુટિની માટે નોટિસ આપી શકાઈ છે.