નવી દિલ્હી : ગુજરાત કોંગ્રેસના નેતા અને પૂર્વ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ભરતસિંહ સોલંકીની હાલ વડોદરાના માંજલપુર વસ્તારમાં આવેલી બેન્કર હોસ્પિટલમાં કોરોનાની સારવાર ચાલી રહી છે. આ દરમિયાન હવે ભરતસિંહ સોલંકીના સંર્પકમાં આવેલા શક્તિસિંહ ગોહિલ દિલ્હીમાં ક્વોરેન્ટીન થયા છે.
માહિતી મુજબ, તાજેતરમાં જ યોજાયેલી રાજ્યસભાની ચૂંટણીમાં ભરતસિંહ સોલંકી ઉમેદવાર હતાં. આ ચૂંટણી પ્રક્રિયા દરમિયાન શક્તિસિંહ ગોહિલ સહીત કોંગ્રેસના મોટા નેતાઓ અને ધારાસભ્યો તેમજ પત્રકારો સંપર્કમાં આવ્યા હતા, જે તમામને ક્વોરેન્ટીન કરવાની કામગીરી ચાલી રહી છે. ત્યારે શક્તિસિંહ ગોહિલ હાલ દિલ્હીમાં હોય તેઓ ત્યાં જ ક્વોરેન્ટીન થયા છે. શક્તિસિંહ ગોહિલ આજે (22 જૂન) દિલ્લીથી બિહાર જવાના હતા, પરંતુ અહીં ગુજરાતમાં ભરતસિંહ સોલંકીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા શક્તિસિંહે બિહારનો પ્રવાસ રદ કર્યો અને દિલ્હીમાં જ ક્વોરેન્ટીન થયા હતા.
ઉલ્લેખનીય છે કે, ભરતસિંહ સોલંકીએ થોડો તાવ અને તબિયત નાદુરસ્ત હોવાથી 21 જૂને કોરોના રિપોર્ટ કરાવ્યો હતો. જે પોઝિટિવ આવતા તેમને સારવાર અર્થે વડોદરા ખસેડવામાં આવ્યા હતા.
મુખ્યમંત્રી રૂપાણીએ ભરતસિંહના ખબર અંતર પૂછ્યા
ભરતસિંહ સોલંકીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાના સમાચાર મળતાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તેમની સાથે ટેલીફોનિક વાતચીત કરીને ખબર અંતર પૂછ્યા હતા. આ દરમિયાન મુખ્યમંત્રી રૂપાણીએ સોલંકીને શ્રેષ્ઠ સારવાર સુવિધા માટે સંપૂર્ણ મદદની ખાતરી આપી હતી અને તેઓ જલ્દી સ્વસ્થ થઈ પુનઃ લોક સેવામાં કાર્યરત થાય તેવી શુભેચ્છાઓ આપી હતી.