ICC રેન્કિંગ અપડેટ: ઈશાન કિશને લગાવી લાંબી છલાંગ, અભિષેક શર્માના નંબર-1 સ્થાન પર તોળાઈ રહ્યું છે જોખમ
ICC T20 વર્લ્ડ કપ 2026 ના સફળ સમાપન બાદ આઈસીસી (ICC) દ્વારા નવીનતમ T20I રેન્કિંગ જાહેર કરવામાં આવી છે. આ નવી યાદીમાં અનેક મોટા ફેરફારો જોવા મળી રહ્યા છે, જેમાં ભારતીય બેટ્સમેનોનો દબદબો સ્પષ્ટપણે દેખાઈ રહ્યો છે. ખાસ કરીને ઈશાન કિશને શાનદાર પ્રદર્શનના જોરે બીજા સ્થાને કબજો જમાવ્યો છે, તો સંજુ સેમસને પણ રેન્કિંગમાં ઊંચી ઉડાન ભરી છે.
અભિષેક શર્મા હજુ પણ નંબર-1, પણ ઈશાન કિશન તરફથી મોટો પડકાર
ટી20 વર્લ્ડ કપ 2026 પછીની પ્રથમ રેન્કિંગમાં ભારતનો યુવા ઓપનર અભિષેક શર્મા હજુ પણ વિશ્વનો નંબર વન ટી20 બેટ્સમેન બનેલો છે. જોકે, તેની અને બીજા સ્થાન વચ્ચેનું અંતર હવે ઘણું ઘટી ગયું છે. અભિષેક શર્મા 875 રેટિંગ પોઈન્ટ્સ સાથે પ્રથમ સ્થાને છે, જ્યારે ઈશાન કિશને બે સ્થાનની છલાંગ લગાવીને 871 રેટિંગ પોઈન્ટ્સ સાથે બીજું સ્થાન મેળવી લીધું છે. હવે આ બંને ભારતીય ખેલાડીઓ વચ્ચે માત્ર 4 પોઈન્ટનો જ તફાવત છે, જે દર્શાવે છે કે આગામી સમયમાં નંબર-1 ની ખુરશી માટે રસાકસી જામશે.
સાહિબઝાદા ફરહાન અને ફિલ સોલ્ટને નુકસાન
પાકિસ્તાની ઓપનર સાહિબઝાદા ફરહાન હવે એક સ્થાન નીચે ઉતરીને ત્રીજા ક્રમે પહોંચી ગયો છે (848 રેટિંગ). એવી જ રીતે ઈંગ્લેન્ડના ફિલ સોલ્ટને પણ એક સ્થાનનું નુકસાન થયું છે અને તે 792 રેટિંગ સાથે ચોથા નંબર પર છે. શ્રીલંકાનો પથુમ નિસાન્કા પાંચમા ક્રમે યથાવત છે. ન્યૂઝીલેન્ડના ટિમ સિફર્ટને આ વખતે મોટો ફાયદો થયો છે, જે ચાર સ્થાનની છલાંગ લગાવીને સીધો છઠ્ઠા ક્રમે પહોંચી ગયો છે.
સૂર્યકુમાર યાદવ અને તિલક વર્મા રેન્કિંગમાં નીચે સરક્યા
ભારતીય બેટ્સમેનો માટે આ અપડેટ મિશ્ર પ્રતિસાદ લાવ્યું છે. જ્યાં ઈશાન કિશન વધ્યો છે, ત્યાં તિલક વર્મા એક સ્થાનના નુકસાન સાથે સાતમા નંબરે પહોંચી ગયો છે. સૌથી વધુ આશ્ચર્યજનક બાબત ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવની છે, જે બે સ્થાન નીચે ઉતરીને હવે નવમા ક્રમે ખસી ગયો છે (722 રેટિંગ). દક્ષિણ આફ્રિકાના ડેવાલ્ડ બ્રેવિસ આઠમા અને ઈંગ્લેન્ડનો જોસ બટલર દસમા ક્રમે છે.
સંજુ સેમસનનો ઐતિહાસિક ઉછાળો
આ રેન્કિંગમાં સૌથી મોટું આકર્ષણ સંજુ સેમસન રહ્યો છે. સંજુએ એકસાથે 18 સ્થાનની છલાંગ લગાવી છે અને હવે તે સીધો 22મા નંબર પર પહોંચી ગયો છે. ટી20 વર્લ્ડ કપ 2026 ની અંતિમ ત્રણ મેચોમાં સંજુએ સતત 80 થી વધુ રન બનાવ્યા હતા, જેનું ફળ તેને આ રેન્કિંગમાં અદભૂત ઉછાળા તરીકે મળ્યું છે.

