રિસર્ચ કરનાર મિનેસોટા યુનિવર્સિટીના સંશોધકો મુજબ, મેટફોર્મિન ડ્રગ કોરોના સામે લડી રહેલ મહિલાઓમાં મૃત્યુનું જોખમ 24% સુધી ઘટાડી શકે છે, જ્યારે પુરુષોમાં આવું નથી થતું. મેટફોર્મિન દવા સામાન્ય રીતે ત્યારે આપવામાં આવે છે જ્યારે ડાયાબિટીઝના દર્દીમાં લીવર વધારે શુગર રિલીઝ કરે છે. સંશોધકોનું માનવું છે કે આ દવા રિસ્ક ફેક્ટર ઓછું કરશે. યુનિવર્સિટીના સંશોધકોએ આ રિસર્ચ 15 હજાર કોરોના દર્દીઓ પર કર્યું છે. તેમાં 6200 થી વધુ મહિલાઓ સ્થૂળતાથી પીડિત હતી.
તેઓમાં દવાને કારણે 24% સુધી મૃત્યુનું જોખમ ઓછું હોવાની વાત સામે આવી. સંશોધકોનું કહેવું છે કે ઉંમર અને દર્દીની ગંભીર સ્થિતિ એવા રિસ્ક ફેક્ટર છે જે મૃત્યુનું રિસ્ક વધારે છે. રિસર્ચમાં સાબિત થઇ ચૂક્યું છે કે પહેલેથી બીમાર, સ્થૂળતાથી હેરાન અને ડાયાબિટીઝ સામે લડી રહેલ દર્દી સંક્રમણના હાઈ રિસ્ક ઝોનમાં છે. સંશોધકો મુજબ, મહિલાઓના મૃત્યુનું જોખમ ઘટ્યું પરંતુ પુરુષોમાં કેમ ન થયું તેનું ચોક્કસ કારણ સામે આવ્યું નથી પરંતુ, એક વાત છે કે જેન્ડરનો ફરક સંક્રમણની ગંભીરતા પર પડે છે. એવું પણ જોવા મળ્યું કે પુરુષોને સોજો વધુ રહે છે જે દવાના અસરને ઘટાડી શકે છે.