મુંબઈ : કોરોના વાયરસના પગલે, ફિલ્મ અને ટીવી સીરીયલોના શૂટિંગને લગતી સમસ્યાઓ અંગે ચર્ચા કરવા માટે એફડબ્લ્યુઆઈસી, આઈએફટીપીસી અને સિંટાની એક બેઠક મળી હતી અને વહેલી તકે શૂટિંગ શરૂ કરવા પર સંમતિ થઈ હતી. 24 જૂન, બુધવારે આ ત્રણેય સંસ્થાઓની વર્ચુઅલ બેઠક બોલાવવામાં આવી હતી. આ બેઠકમાં આઈએફટીપીસી દ્વારા ફિલ્મ અને ટીવી નિર્માણ સાથે સંકળાયેલા કર્મચારીઓને બે પ્રકારના વીમા આપવાની સંમતિ આપવામાં આવી છે.
જેમાં કોવિડ 19 માંથી મૃત્યુના કિસ્સામાં 25 લાખ રૂપિયા અને હોસ્પિટલમાં સારવાર માટે 2 લાખ રૂપિયાનો વીમો શામેલ હશે. આ ઉપરાંત આઈએફટીપીસીએ ખાતરી આપી હતી કે, શૂટિંગ દરમિયાન કોવિડ 19 ના ચેપ અટકાવવા સરકારે આપેલી માર્ગદર્શિકાનું સંપૂર્ણ પાલન કરવામાં આવશે. આ સાથે, કર્મચારીઓની ચુકવણી માટેની સમયમર્યાદા 90 દિવસથી ઘટાડીને 30 દિવસ કરવાની સંમતિ આપવામાં આવી હતી. મીટિંગ દરમિયાન તમામ સમસ્યાઓ પરસ્પર સંમતિથી હલ કરવા સહમતી દર્શાવી હતી જેથી શૂટિંગ વહેલી તકે શરૂ થઈ શકે.