હીથર ક્વિનલેન અને એડમ મેકગવર્ન અમેરિકામાં રહે છે. બંનેનાં ઓક્ટોબરમાં લગ્ન થવાનાં હતાં પણ કોરોનાના કારણે તે સંભવ થતા નથી દેખાઈ રહ્યા. બંનેએ નક્કી કર્યુ કે ઝૂમ એપની મદદથી ઓનલાઈન લગ્ન કરી લેશે. તેમણે પારસીપૈની(ન્યુજર્સી)ના મેયર માઈકલ સોરિયાનો અને ન્યુજર્સીના ગવર્નર સાથે વાત કરી, જેના બાદ દૂર બેસીને થતા સિવિલ મેરેજને કાયદેસર ગણવા આદેશ જારી કરાયો. તેના પછી બંનેનાં લગ્ન થયાં. દુનિયામાં હાલ લગ્ન આ રીતે જ થઈ રહ્યાં છે. લગ્નનું વાર્ષિક બજાર 300 અબજ ડોલરનો છે પણ હવે લગ્ન પેન્ડેમિક પ્રૂફ નથી રહ્યાં. અમેરિકામાં ન્યુયોર્કના ગવર્નર એન્ડ્રૂ ક્યુઓમોએ ગત દિવસોમાં લગ્ન કરાવવા માટે પ્રોજેક્ટ ક્યૂપિડની શરૂઆત કરી છે.
તેમાં લગ્ન કરવા ઈચ્છુક જોડાને લાઈસન્સ માટે ઓનલાઇન અરજીઓ મગાવી હતી. પ્રોજેક્ટ ક્યૂપિટ એટલું સફળ રહ્યું કે હવે સપ્ટેમ્બર સુધી એપોઇન્ટમેન્ટ્સનું વેઈટિંગ ચાલી રહ્યું છે. જ્યારે કેલિફોર્નિયા અને ન્યુજર્સીએ પણ તેને અપનાવ્યું છે. એક રસપ્રદ ટ્રેન્ડ ગાઝામાં જોવા મળ્યું. ગાઝામાં પરંપરાગત રૂપે લગ્નનો ખર્ચ વરરાજા ભોગવે છે એટલા માટે ત્યાં અનેક વરવધૂ કોરોનાના કારણે ઓછા ખર્ચવાળા લગ્નો પર ભાર મૂકી રહી છે. ભારતમાં દર વર્ષે આશરે 1.2 કરોડ લગ્નો થાય છે. ગુજરાતમાં 30 હજાર લગ્નો કાં તો ટળ્યાં છે કાં રદ થયા છે. લોકો 50 લોકોની હાજરીમાં લગ્ન કરી રહ્યાં છે. શાદી ડૉટ કોમે વેડિંગ ફ્રોમ હોમ સેવા શરૂ કરી છે. તેમાં કંપની પંડિતથી લઈને ઓનલાઇન મેકઅપ ટ્યુટોરિયલ પણ આપે છે.