નવી દિલ્હી : કોરોના રોગચાળાને લીધે લોકડાઉન થતાં લોકોની પીઠ તૂટી ગઈ છે. પ્રત્યેક દિવસે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થવાને કારણે વધતી મોંઘવારી લોકોને પડ્યા પર પાટું સમાન છે. 21 દિવસ સુધી દરરોજ ડીઝલ અને પેટ્રોલનો ભાવ વધતો જતો હતો જે 28 જૂન, રવિવારે અટકી ગયો હતો. રવિવારે 22માં દિવસે ડીઝલ, પેટ્રોલના ભાવમાં વધારો થયો નથી.
રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં પેટ્રોલ પ્રતિ લિટર 80.38 રૂપિયા અને ડીઝલ 80.40 રૂપિયા પ્રતિ લિટર વેચાઇ રહ્યું છે. છેલ્લા 21 દિવસથી રોજની કિંમતોમાં વધારો થવાને લીધે ડીઝલ અત્યાર સુધીમાં લિટર દીઠ 11 રૂપિયા સુધી મોંઘું થઈ ગયું છે. તે જ સમયે, પેટ્રોલના ભાવમાં પણ લિટર દીઠ 9 રૂપિયાથી વધુનો વધારો થયો છે. દરરોજ ડીઝલ અને પેટ્રોલના ભાવમાં થયેલા વધારાને લીધે દેશમાં પણ તેને જીએસટીના દાયરામાં લાવવાની માંગ વધવા માંડી છે.
મહત્વપૂર્ણ છે કે, ડીઝલ અને પેટ્રોલના ભાવમાં સતત વધારાને પગલે કોંગ્રેસ સહિત અન્ય વિપક્ષી પાર્ટીઓએ પણ સરકાર સામે મોરચો ખોલ્યો છે. એક સમયે જ્યારે જનતા સંકટથી ઝઝૂમી રહી છે, ત્યારે ડીઝલ અને પેટ્રોલના ભાવમાં વધારાની કોંગ્રેસે ટીકા કરી હતી.