સુરત: રાજ્યના પશુપાલકોને ઘરઆંગણે તેમના પશુઓની વિનામૂલ્યે સારવાર મળી રહે તે માટે પ્રારંભ કરાયેલા મોબાઈલ પશુ દવાખાના અંતર્ગત સુરત જિલ્લાને ફાળવવામાં આવેલી ૦૪ મોબાઇલ પશુ એમ્બ્યુલન્સને જિલ્લા પંચાયત પ્રમુખ પ્રીતિબેન પટેલે કલેક્ટર કચેરી ખાતેથી લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.
રાજ્ય સરકારના પશુપાલન પ્રભાગ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા રાજ્યના પશુપાલકોને સરળતાથી ઘરઆંગણે નિ;શુલ્ક પશુ સારવાર મળી રહે તે હેતુથી GVK સંચાલિત પી.પી.પી મોડેલથી ૧૦ ગામદીઠ એક મોબાઈલ પશુ દવાખાનાની યોજના અમલમાં મૂકવામાં આવી છે, ત્યારે સુરત જિલ્લાને પ્રથમ તબક્કામાં ૦૪ મોબાઇલ પશુ દવાખાનારૂપે એમ્બ્યુલન્સની ફાળવણી કરાઈ છે. આ યોજનાથી પશુપાલકો ટોલ ફ્રી નંબર ૧૯૬૨ ઉપર ફોન કરી પાલતું પશુઓ માટે ૩૬૫ દિવસ ઘરઆંગણે નિ;શુલ્ક પશુસારવાર કરાવી શકશે.
નાયબ પશુપાલન નિયામક ડો.એન.વી.દવેએ પશુપાલકો માટે આશીર્વાદરૂપ આ યોજના અંગે જણાવ્યું હતું કે, પશુ પાલકોને હવે પોતાના પશુઓને દવાખાના સુધી લાવવા-લઈ જવામાં પડતી મુશ્કેલીઓ દૂર થતા આ નિ:શુલ્ક સેવાથી પશુઓની સારવાર ઘરબેઠાં કરાવી શકશે. પશુ મોબાઈલ વાન નિયત કરેલા દરરોજ ત્રણ ગામો કવર કરશે. જેમાં પ્રથમ ગામમાં બે કલાક અને અન્ય બે ગામોમાં એક-એક કલાક સેવા આપશે. આ ઉપરાંત સવારે ૭:૦૦ થી રાત્રે ૭:૦૦ વાગ્યા સુધી પશુપાલકોના કોલ સંદર્ભે તેમના ગામોમાં જઈ પશુ સારવાર કરશે. સુરત જિલ્લાના સર્વાંગી વિકાસ માટે ઊદ્યોગો સાથે પશુપાલન-ખેતીનું પણ વિશેષ મહત્વ છે. સુરત જિલ્લો શ્વેતક્રાંતિ અને હરિતક્રાંતિમાં અગ્રેસર છે, ત્યારે મોબાઈલ પશુ વાનની સુવિધા ઉભી થતાં પશુપાલકોને વિશેષ લાભ અને રાહત થશે. તમામ વાનોમાં જીપીએસની સુવિધા હોવાથી મુખ્યમંત્રીના ડેશબોર્ડ મારફતે મોનિટરીંગ પણ કરવામાં આવશે.
ઇ.કલેકટર હિતેશ કોયા, ધારાસભ્ય મોહનભાઇ ઢોડીયા, ઝંખનાબેન પટેલ, વિનુભાઈ મોરડિયા, વેટરનરી ઓફિસર ડો. નિલેશ પટેલ સહિત પશુપાલન વિભાગના સ્ટાફ ગણની ઉપસ્થિતિમાં પશુ વાનનું લોકાર્પણ સંપન્ન થયુ હતું.
જિલ્લાના કયા કયા ગામોને લાભ મળશે??
સુરત જિલ્લાના બીજલવાડી(તા.ઉમરપાડા), ઝંખવાવ(તા.માંડવી), વાંસકુઈ(તા.મહુવા) અને સાયણ (તા.ઓલપાડ) એમ આ ચાર ગામો મુખ્ય મથક તરીકે રહેશે, જ્યાં મોબાઈલ પશુ વાન તૈનાત કરવામાં આવી છે. હાલ પ્રથમ તબક્કામાં આ ચાર ગામોની આજુબાજુના ૧૦ ગામોમાં પશુ સારવાર મળી શકશે.
- મહુવા તાલુકાનાં વાંસકુઇ (મુખ્ય મથક) તથા આજુબાજુના બામણીયા, વેલણપોર, ઘડોઇ, ખરવાણ, કઢયા, ગુણસવેલ, સણવલ્લા, ગોપલા, વાઘેશ્વર, ગામોના રૂટ દરમ્યાન પશુપાલકોના પશુઓને સારવારનો લાભ મળશે.
- ઉમરપાડા તાલુકાનાં મુખ્ય મથક બીજલવાડી તથા આજુબાજુના રાણીકુંજ, કેવડી, સાદડાપાણી, સરવણ ફોકડી, ખાભા બંગલી, ગોંદલીયા, વેલાવી, કાલીજામણ, ચારણી ગામોના રૂટ દરમ્યાન પશુઓને સારવારનો લાભ મળશે.
- ઓલપાડ તાલુકાનાં મુખ્ય મથક સાયણ તથા આજુબાજુના વસરાવી, સેગવા, સ્યાદલા, સિવાણ, કંથરાજ, ઉમરા, ગોથાણ, દેલાડ, ભારૂંડી, પરિયા ગામોને લાભ મળશે.
- માંગરોળ તાલુકાનાં મુખ્ય મથક ઝંખવાવ તથા આજુબાજુના સેલારપુર, અમરકુઇ, ઇશનપોર, માંડણ, નાની ફળી, ઘોડબાર, કેવડીકુંડ, વડ, કંસાલી, ધોળીકુઇ ગામોના રૂટ દરમ્યાન પશુપાલકોને લાભ મળશે.
- આવનારા દિવસોમાં હજું પણ વધુ વાનોને ફાળવણી કરાશે, જેથી અન્ય ગામોને પણ આ યોજના હેઠળ આવરી લેવાશે.