BAN vs PAK: ફિલ્ડિંગ કરતા ગંભીર ઈજા, પાકિસ્તાની ખેલાડીને મેદાન છોડવું પડ્યું

2 Min Read

મેદાન પર મચી અફરાતફરી: પાકિસ્તાની ખેલાડી ગંભીર રીતે ઈજાગ્રસ્ત, સ્ટ્રેચર પર સીધો હોસ્પિટલ ખસેડાયો

BAN vs PAK: બાંગ્લાદેશ સામે રમાઈ રહેલી બીજી વનડે મેચ દરમિયાન પાકિસ્તાની ટીમ માટે એક માઠા સમાચાર સામે આવ્યા છે. ટીમનો ઓલરાઉન્ડર ખેલાડી હુસૈન તલત ફિલ્ડિંગ કરતી વખતે બાઉન્ડ્રી રોકવાના પ્રયાસમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. તેની હાલત એટલી નાજુક હતી કે તેને તાત્કાલિક સ્ટ્રેચર પર મેદાનની બહાર લઈ જવો પડ્યો હતો.

મીરપુરના મેદાનમાં સર્જાયો અકસ્માત

પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચે ત્રણ મેચોની વનડે શ્રેણીની બીજી મેચ ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આ મેચમાં પાકિસ્તાની ટીમે પ્રથમ બેટિંગ કરતા 47.3 ઓવરમાં 274 રન બનાવ્યા હતા. લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી બાંગ્લાદેશની ટીમની શરૂઆત ખરાબ રહી હતી, પરંતુ મેચ દરમિયાન એક એવી ઘટના બની જેણે ખેલાડીઓ અને દર્શકોને સ્તબ્ધ કરી દીધા હતા.

- Advertisement -

 ban.jpg

બાઉન્ડ્રી બચાવવા જતાં ખભો ઈજાગ્રસ્ત થયો

બાંગ્લાદેશની ઇનિંગ્સની છઠ્ઠી ઓવરમાં મોહમ્મદ વસીમ બોલિંગ કરી રહ્યો હતો. લિટન દાસે ડીપ થર્ડ રીજનમાં એક શાનદાર શોટ રમ્યો હતો. ત્યાં ફિલ્ડિંગ કરી રહેલા હુસૈન તલતે બોલને બાઉન્ડ્રીની બહાર જતો રોકવા માટે ડાઈવ લગાવી હતી. આ પ્રયાસમાં તેનો ખભો જમીન સાથે જોરથી અથડાયો અને તે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. હુસૈન તલત દર્દથી કણસતો જોવા મળ્યો હતો, જેના કારણે મેડિકલ સ્ટાફે તરત જ તેને સ્ટ્રેચર પર બહાર લઈ જઈ સીધો હોસ્પિટલ રવાના કર્યો હતો.

- Advertisement -

PCB એ ઈજા અંગે આપ્યું અપડેટ

હુસૈન તલતની ઈજા બાદ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) એ સત્તાવાર નિવેદન જારી કર્યું છે. બોર્ડે જણાવ્યું કે:

“મેદાન પર જ મેડિકલ ટીમ દ્વારા તલતની તપાસ કરવામાં આવી હતી. ઈજાની ગંભીરતાને જોતા વધુ તપાસ અને સ્કેનિંગ માટે તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો છે. ડૉક્ટરોના રિપોર્ટ આવ્યા બાદ જ તેની ઈજા કેટલી ગંભીર છે તેની સ્પષ્ટતા થશે.”

ban1.jpg

હુસૈન તલતની અત્યાર સુધીની કારકિર્દી

30 વર્ષીય ઓલરાઉન્ડર હુસૈન તલતે વર્ષ 2019માં વનડે ફોર્મેટમાં ડેબ્યૂ કર્યું હતું. જોકે, તે અત્યાર સુધી ટીમમાં કાયમી સ્થાન બનાવી શક્યો નથી. તેણે અત્યાર સુધી રમાયેલી 11 વનડે મેચોમાં કુલ 224 રન બનાવ્યા છે. આ ઈજાને કારણે હવે તેની આખી શ્રેણીમાંથી બહાર થવાની શક્યતા દેખાઈ રહી છે.

Share This Article