શહેરમાં અવનવા કેસ જોવા મળે છે ત્યારે વાત કરીએ રાણીપ વિસ્તારની તો આ વિસ્તારમાં પ્રેમીએ પ્રેમિકા પાસે અભદ્ર માંગણી કરતા ના પાડી હતી જેથી પ્રેમીએ સોશિયલ મીડિયામાં ફોટો વાઇરલ કરી પરિવારજનોને ઉઠાવી જવાની ધમકી આપી હતી. રાણીપમાં રહેતી અને લપકામણમાં આવેલી કોલેજમાં નર્સિંગનો અભ્યાસ કરતી 21 વર્ષની યુવતીને ઓગસ્ટ 2019 માં ફેસબુક પર સાગર પટેલ નામના યુવક સાથે મિત્રતા થઈ હતી.
બાદમાં વોટ્સએપ પર વીડિયો કોલ અને ચેટ પર વાતચીત થતી હતી. ગોતામાં આવેલા એક મકાનમાં બંને મળ્યા હતાં. યુવતીએ અભ્યાસ પૂર્ણ કર્યા બાદ લગ્નની વાત કરી હતી. સાગરે ફોન પર અભદ્ર માંગ કરી હતી જેની યુવતીએ ના પાડી હતી. બાદમાં યુવતીએ વાતચીત કરવાની બંધ કરી દીધી હતી. યુવતીએ ના પાડતા તેને મા-બાપને મારી નાખવાની ધમકી આપી હતી. યુવતીએ તેના કાકાને કહેતા તેમને સાગર સાથે વાત કરી હતી ત્યારે તેને જાતિવાચક શબ્દ બોલી અપમાન કરી ઉઠાવી જવાની ધમકી આપી હતી.