TMC ઉમેદવારોની યાદી જાહેર: મમતા બેનર્જી ભવાનીપુરથી લડશે ચૂંટણી, 291 બેઠકો પર નામ નક્કી
તૃણમૂલ કોંગ્રેસના સુપ્રીમો મમતા બેનર્જીએ મંગળવારે આગામી વિધાનસભા ચૂંટણી માટે 291 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી દીધી છે. કાલીઘાટ સ્થિત પક્ષના કાર્યાલય ખાતે આયોજિત પત્રકાર પરિષદમાં તેમણે આ મહત્વની જાહેરાત કરી હતી. આ યાદી મુજબ, મમતા બેનર્જી પોતે ભવાનીપુર બેઠક પરથી ચૂંટણી લડશે. નોંધનીય છે કે ભાજપે અગાઉ જ પોતાની યાદી જાહેર કરી દીધી છે, જેમાં વિપક્ષી નેતા સુવેન્દુ અધિકારીને ભવાનીપુર અને નંદીગ્રામ બંને બેઠકો પરથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.
ભવાનીપુરમાં મમતા વિરુદ્ધ સુવેન્દુનો જંગ
TMC ની આ યાદી બાદ એ સ્પષ્ટ થઈ ગયું છે કે ભવાનીપુર બેઠક પર મમતા બેનર્જી અને સુવેન્દુ અધિકારી વચ્ચે ખરાખરીનો જંગ જોવા મળશે. અગાઉની ચૂંટણીમાં સુવેન્દુ અધિકારીએ નંદીગ્રામ બેઠક પર મમતા બેનર્જીને પરાજય આપ્યો હતો, જે બાદ મમતા બેનર્જીએ ભવાનીપુર પેટાચૂંટણી જીતીને પોતાની બેઠક જાળવી રાખી હતી. હવે ફરી એકવાર આ બંને દિગ્ગજો આમને-સામને ટકરાશે.
ભાજપ પર પ્રહારો અને જીતનો દાવો
મમતા બેનર્જીએ આ પ્રસંગે ‘નો વોટ ફોર બીજેપી’ (ભાજપને મત નહીં) અને ભાજપના બહિષ્કારનું આહવાન કર્યું હતું. તેમણે દાવો કર્યો હતો કે, “TMC આ ચૂંટણીમાં 226 થી વધુ બેઠકો પર ભવ્ય વિજય મેળવશે, જ્યારે ભાજપ 50 બેઠકોનો આંકડો પણ પાર નહીં કરી શકે.” તેમણે ચૂંટણી શાંતિપૂર્ણ અને લોકશાહી ઢબે યોજાય તેવી અપીલ પણ કરી હતી.
જાહેર કરાયેલા મુખ્ય ઉમેદવારોની યાદી
TMC એ અનેક દિગ્ગજ નેતાઓને મેદાનમાં ઉતાર્યા છે, જેમાંથી મુખ્ય નામો નીચે મુજબ છે:
- ભવાનીપુર: મમતા બેનર્જી
- કોલકાતા પોર્ટ: ફિરહાદ હકીમ
- દમદમ ઉત્તર: ચંદ્રિમા ભટ્ટાચાર્ય
- ટોલીગંજ: અરૂપ બિસ્વાસ
- બેલઘાટા: કુણાલ ઘોષ
- બારાનગર: સાયંતિકા બેનર્જી
- બારાસાત: સબ્યસાચી દત્તા
- નંદીગ્રામ: પવિત્ર કર
- સાબંગ: માનસ ભુઈયાં
ચૂંટણી પંચ અને કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર
મમતા બેનર્જીએ ચૂંટણી પંચની કાર્યશૈલી પર સવાલ ઉઠાવતા તેને ‘બીજેપી કમિશન’ ગણાવ્યું હતું. તેમણે આક્ષેપ કર્યો કે ચૂંટણીની સત્તાવાર જાહેરાત પહેલા જ મુખ્ય સચિવ અને પોલીસ કમિશનર જેવા ઉચ્ચ અધિકારીઓની બદલી કરીને તમામ કાયદાઓ તોડવામાં આવ્યા છે. તેમણે રાજ્યમાં ‘સુપર ઇમરજન્સી’ જેવી સ્થિતિ હોવાનો દાવો કરતા કહ્યું કે, “આ બંગાળના અસ્તિત્વની લડાઈ છે. અહીં ‘મા, માટી, માનુષ’ની જીત થશે, દિલ્હીના લાડુની નહીં.”
તેમણે વધુમાં આશંકા વ્યક્ત કરી હતી કે રમઝાન અને ઈદ પહેલા અધિકારીઓની બદલી કરીને શું કોઈ રમખાણો કરવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે? મમતા બેનર્જીએ ભાજપ પર લોકશાહીને દબાવવાનો પ્રયાસ કરવાનો ગંભીર આરોપ લગાવ્યો હતો.
