મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીની ઉપસ્થિતિમાં આરોગ્ય સંચાર કાર્યક્રમ
સાબરકાંઠા જિલ્લાના રાયગઢ ખાતે આવેલા આયુષ્માન આરોગ્ય મંદિર દ્વારા લોકોમાં સ્વાસ્થ્ય પ્રત્યે સભાનતા વધારવા માટે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી રાજ સુતરીયાની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયેલા આ ‘સામાજિક વર્તણુક પરિવર્તન સંચાર’ (SBCC) કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય નાગરિકોની જીવનશૈલીમાં હકારાત્મક ફેરફાર લાવવાનો હતો. આ પ્રસંગે આરોગ્ય અધિકારીએ સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓનો લાભ લેવા ગ્રામજનોને અનુરોધ કર્યો હતો.
કિશોરીઓ માટે HPV રસીકરણ અને કેન્સર નિવારણ
કાર્યક્રમ દરમિયાન ગર્ભાશયના મુખના કેન્સર જેવી ગંભીર બીમારી સામે રક્ષણ મેળવવા માટે કિશોરીઓમાં થતા HPV રસીકરણના મહત્વ પર ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો. ડૉ. રાજ સુતરીયાએ ઉપસ્થિત વાલીઓ અને કિશોરીઓને સમજાવ્યું હતું કે સમયસરની રસી ભવિષ્યમાં જીવલેણ બીમારીઓથી બચાવી શકે છે. સમાજમાં આરોગ્યલક્ષી જાગૃતિ વધારવા માટે દરેક નાગરિકને સક્રિય સહભાગી બનવા અને અંધશ્રદ્ધા છોડી વૈજ્ઞાનિક અભિગમ અપનાવવા અપીલ કરવામાં આવી હતી.
ક્ષય રોગ મુક્તિ અને સગર્ભા માતાઓની વિશેષ સંભાળ
આરોગ્ય વિભાગની ટીમ દ્વારા ક્ષયરોગ (TB) ના લક્ષણો અને તેની સમયસર સારવાર અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ સાથે જ સંતુલિત પોષણ, માતા-બાળ આરોગ્ય અને અતિ જોખમી સગર્ભા માતાઓની સમયસર ઓળખ કરી તેમની વિશેષ સંભાળ રાખવા બાબતે સમજણ આપવામાં આવી હતી. વ્યસનમુક્ત જીવન અને શુદ્ધ આહાર દ્વારા કેવી રીતે સ્વસ્થ રહી શકાય તે અંગે કોમ્યુનિટી હેલ્થ ઓફિસર દ્વારા વૈજ્ઞાનિક તથ્યો રજૂ કરવામાં આવ્યા હતા.
રોલ પ્લે અને પ્રદર્શન દ્વારા અસરકારક આરોગ્ય સંદેશ
ગ્રામજનોને સરળતાથી સમજાય તે હેતુથી પીઅર એજ્યુકેટર દ્વારા રોલ પ્લે (નાટક) અને વિવિધ પ્રદર્શનોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સંવાદાત્મક રજૂઆત દ્વારા જટિલ આરોગ્ય વિષયોને રસપ્રદ રીતે સમજાવવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં ગામના સરપંચ જેસીંગભાઈ પટેલ, મેડિકલ ઓફિસર અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉત્સાહભેર જોડાયા હતા. ગ્રામ્ય સ્તરે થયેલા આ પ્રયાસથી લોકોમાં આરોગ્યપ્રદ ટેવો કેળવવાની નવી દિશા મળી છે.

