[highlight]આજે પ્રદેશ આગેવાનો તથા ૧૦ ધારાસભ્યો દિલ્હી પહોંચ્યા : ભરતસિંહ સોલંકી-શંકરસિંહ વાઘેલા પણ રહેશે હાજરઃ રાજીવ ભવન ખાતે મીટીંગ[/highlight]
રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મહાગઠબંધનના ઉમેદવાર મીરાકુમાર આવતીકાલે ઉમેદવારીપત્ર ભરવાના હોય પ્રદેશ કોંગી આગેવાનો તથા દંડક બળવંતસિંહ રાજપૂત સહિત દસેક ધારાસભ્યો દિલ્હી જવા રવાના થયા છે. ર૮મીએ મળનારી કોંગી નિરીક્ષકોની બેઠક હવે ર૯મીએ પ્રદેશ કાર્યાલય ખાતે મળશે. ગુરૂવારે પરત ફરેલા રાજય પ્રભારી અશોક ગેહલોત ર૯મીએ ફરી ગુજરાત આવશે.
જાણવા મળતી વિગતો મુજબ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી, અર્જુનભાઇ મોઢવાડીયા, શકિતસિંહ ગોહિલ, વિધાનસભા કોંગ્રેસ પક્ષના દંડક બળવંતસિંહ રાજપુત, શૈલેષ પરમાર સહિતના ધારાસભ્યો દિલ્હી જવા રવાના થયા હોવાનું જાણવા મળે છે.
રાજય પ્રભારી અશોક ગેહલોત અમદાવાદ ખાતેના લાંબા રોકાણ બાદ દિલ્હી પરત ફર્યા છે અને ર૯મી તારીખે પરત આવી પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય રાજીવ ભવન ખાતે ૧૮ર વિધાનસભા વિસ્તારના કોંગી નિરીક્ષક, તમામ જિલ્લાના કોંગી નિરીક્ષક અને ર૬ લોકસભા બેઠકના નિરીક્ષકો સાથે ચૂંટણી કામગીરી અંગેની બેઠકમાં હાજર રહેશે. આ બેઠકમાં પ્રદેશ પ્રમુખ અને વિપક્ષી નેતા શંકરસિંહ વાઘેલા પણ ઉપસ્થિત રહેશે.