સાઉથૈમ્પ્ટન: કોરોના વાયરસના જોખમ વચ્ચે 117 દિવસ બાદ સાઉથૈમ્પ્ટન ખાતે રમાયેલી આંતરરાષ્ટ્રીય ટેસ્ટ મેચમાં વેસ્ટ ઇન્ડીઝે ઇંગ્લેન્ડને ચાર વિકેટથી હરાવ્યું હતું. આ સાથે, વેસ્ટ ઇન્ડીઝે પણ આ ત્રણ મેચની ટેસ્ટ શ્રેણીમાં 1-0થી લીડ મેળવી લીધી હતી. વેસ્ટ ઈન્ડિઝની આ જીતનો હીરો ફાસ્ટ બોલર શેનન ગેબ્રિયલ છે. 32 વર્ષીય ઝડપી બોલરે વેસ્ટ ઈન્ડિઝ તરફથી પ્રથમ ઇનિંગમાં ચાર અને બીજી ઇનિંગમાં પાંચ વિકેટ ઝડપી હતી. તેની પર્ફોમન્સને જોતા તેને મેન ઓફ ધ મેચનો ખિતાબ આપવામાં આવ્યો હતો.
આખી ટેસ્ટ મેચ દરમિયાન વેસ્ટ ઇન્ડિઝ દ્વારા શાનદાર રમતનું પ્રદર્શન જોવામાં આવ્યું હતું. મેચમાં ઇંગ્લેન્ડે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો, પરંતુ વરસાદને કારણે પહેલા દિવસે માત્ર 17.4 ઓવર રમી હતી. વેસ્ટ ઇન્ડીઝે પ્રથમ દાવમાં ઇંગ્લેન્ડને 204 રનમાં રોકીને કેપ્ટન હોલ્ડરે 42 રન આપીને 6 વિકેટ ઝડપી હતી. વેસ્ટ ઇન્ડીઝે બેટિંગમાં 318 રનની શાનદાર ઇનિંગ રમી હતી અને ઇંગ્લેન્ડ સામે 114 રનની નોંધપાત્ર લીડ મેળવી હતી. ઇંગ્લેન્ડ તરફથી બેન સ્ટોક્સે ચાર વિકેટ ઝડપી હતી.