કેબિનેટ બેઠક બાદ નાણાં મંત્રી અરુણ જેટલીએ જણાવ્યુ હતું કે, એર ઈડિયાની ભાગીદારી વેચવાની પ્રક્રિયા પૂર્ણ કરવા માટે એક પેનલની રચના કરવામાં આવશે. એર ઈન્ડિયા લાંબા સમયથી ખોટ કરી રહી છે અને તેની ખોટ સતત વધી રહી છે. ત્યારે સરકાર પર એર ઈન્ડિયાના કારણે પડતા આર્થિક બોજને ઘટાડવા માટે આ નિર્ણય લેવાયો છે. જેટલીએ જણાવ્યુ હતું કે, કેબિનેટે એર ઈન્ડિયાની ભાગીદારી વેચવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. જોકે તેની પ્રક્રિયા અને નિયમો હવે નક્કી કરવામાં આવશે. આ માટે એક કમિટીની રચના કરાશે. મહત્વનુ છે કે સરકારે અનેક વખત એર ઈન્ડિયાની આર્થિક સ્થિતિ સુધારવા માટે પ્રયત્નો કર્યા હતા. જોકે તેમ છતાં એર ઈન્ડિયાનું નુકસાન દર વર્ષે વધી રહ્યુ છે.
એર ઈન્ડિયા ૧૪૦ વિમાનો સાથે દેશની સૌથી મોટી એર લાઈન્સ કંપની છે, જે કુલ ૪૧ આંતરરાષ્ટ્રીય અને ૭૨ ડોમેસ્ટિક ઉડાણોનું સંચાલન કરે છે. એક અહેવાલ એવા પણ સામે આવ્યા છે કે, એર ઈન્ડિયામાં રોકાણની મંજૂરી મળ્યા બાદ હવે ભારતનું સૌથી મોટુ ઔદ્યોગિક ગ્રુપ તાતા એર ઈન્ડિયાની ભાગીદારી ખરીદી શકે છે. તાજેતરમાં સામે આવેલ એક રિપોર્ટમાં દાવો કરાયો હતો કે, એર ઈન્ડિયામાં ભાગીદારી ખરીદવા માટે તાતાના અધિકારીઓ અને સરકાર વચ્ચે ઔપચારીક વાતચીત પણ થઈ છે.