સરકાર ડિજટલ પેમેન્ટ પ્રોત્સાહન આપવા અને ગ્રાહકો દ્વારા ચૂકવણીની પદ્ધતિને સરળ બનાવવા નવા ફેરફાર કરી રહી છે. તાજેતરમાં જ સરકાર દ્વારા આદેશ આપવામાં આવ્યા હતા કે ગાડીના રજિસ્ટ્રેશન અથવા ફિટનેસ માટે ફાસ્ટેગની જાણકારી આપવી પડશે. હવે સરકારે ફાસ્ટેગને લઇને એક નવો ફેરફાર કર્યો છે. દેશભરમાંથી ટોલ ટેક્સ પર ટેક્સ વસૂલવા સિવાય હવે દેશમાં વાહન પાર્કિંગ ચાર્જનું પેમેન્ટ પણ ફાસ્ટેગ દ્વારા કરી શકાશે. એરપોર્ટ, થિયેટર્સ અને મોલ્સમાં ફાસ્ટેગથી કાર પાર્કિંગનું પેમેન્ટ થઈ શકશે. નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (NPCI) દિલ્હી, મુંબઈ, ચેન્નાઈ અને બેંગલુરુ જેવા મુખ્ય શહેરોમાં ફાસ્ટેગ સાથે કોન્ટેક્ટલેસ અને ઇન્ટરઓપરેબલ પાર્કિંગ સોલ્યુશન્સનો વિસ્તાર કરવા જઈ રહી છે. આ ફેરફાર પર અમલ કરતા હૈદરાબાદ એરપોર્ટ પર તો આ સુવિધા શરૂ પણ થઈ ગઈ છે, જ્યાં કાર પાર્કિંગ સહિત અન્ય ચાર્જિસનું પેમેન્ટ ફાસ્ટેગથી થઈ રહ્યું છે. આ સુવિધાને ફાસ્ટેગ 2.0 નામ આપવામાં આવ્યું છે. હવે બેંક NPCI સાથે મળીને અન્ય મહાનગરોમાં પણ કોન્ટેક્ટલેસ કાર પાર્કિંગની સુવિધા આપવા જઈ રહ્યું છે.