આદિત્ય ધરનો ફરી એકવાર માસ્ટરસ્ટ્રોક; ‘ધુરંધર 2’ માત્ર ફિલ્મ નથી, એક્શનનું તોફાન છે!
જો તમે આ વીકેન્ડ પર કોઈ એવી ફિલ્મની શોધમાં હોવ જે તમને ખુરશી સાથે જકડી રાખે, રૂંવાડા ઉભા કરી દે અને થોડી ઈમોશનલ પણ કરી જાય, તો ‘ધુરંધર: ધ રિવવેન્જ’ તમારા માટે એક શ્રેષ્ઠ વિકલ્પ બની શકે છે. દિગ્દર્શક આદિત્ય ધરે ફરી એકવાર સાબિત કરી દીધું છે કે તેઓ મોટા કેનવાસ પર ગંભીર અને સચોટ વાર્તાઓ કહેવામાં માહિર છે. આ ફિલ્મ માત્ર એક સિક્વલ નથી, પરંતુ એ ‘કિંગ’ની વાપસી છે જેને આપણે પહેલા ભાગના અંતે પાકિસ્તાનની ગલીઓમાં છોડી દીધો હતો.
વાર્તા: ભૂતકાળના જખમ અને વર્તમાનનો બદલો
ફિલ્મની શરૂઆત આપણને ત્યાં લઈ જાય છે જ્યાંથી બધું શરૂ થયું હતું—જસકીરત સિંહ રાંગી (રણવીર સિંહ) નો ભૂતકાળ. ‘ધુરંધર 2’ નું પહેલું ચેપ્ટર પૂરી રીતે જસકીરતના બેકગ્રાઉન્ડ પર કેન્દ્રિત છે. પંજાબની ખુશહાલી, એક ફોજી પિતાનું અનુશાસન અને મિલિટ્રી ટ્રેનિંગનું સપનું, બધું જ ત્યારે વિખેરાઈ જાય છે જ્યારે માત્ર એક જમીનના ટુકડા માટે જસકીરતના પિતાની હત્યા કરવામાં આવે છે અને તેની બહેનો પર અત્યાચાર ગુજારવામાં આવે છે.
અહીંથી જન્મ થાય છે એ ‘કિલિંગ મશીન’નો, જેને આપણે હમઝાના નામથી ઓળખીએ છીએ. બદલો લેવાના ઝનૂનમાં જસકીરત દોષિતોના આખા ખાનદાનનો સફાયો કરી નાખે છે અને જેલ પહોંચે છે. પણ વાર્તામાં અસલી વળાંક ત્યારે આવે છે જ્યારે RAW આ ટ્રેન્ડ મશીનનો ઉપયોગ ભારતના દુશ્મનોને ખતમ કરવા માટે કરે છે. વાર્તા ફરીથી પાકિસ્તાનના લ્યારી પહોંચે છે, જ્યાં રહેમાન ડકેતના મોત પછી હમઝા કરાચી પર પોતાની પકડ મજબૂત કરે છે. તેનો મકસદ સાફ છે—ભારતમાં આતંક ફેલાવનારાઓને તેમના ઘરમાં ઘૂસીને મારવા. આ સફરમાં મેજર ઈકબાલ (અર્જુન રામપાલ), એસપી ચૌધરી (સંજય દત્ત) અને જમીલ જમાલ (રાકેશ બેદી) સાથે તેની જે ઉંદર-બિલાડીની રમત ચાલે છે, તે જ આ ફિલ્મનો અસલી રોમાંચ છે.
રણવીર સિંહ: અભિનયની નવી ઊંચાઈઓ પર
જો આ ફિલ્મનો કોઈ સૌથી મોટો ‘પ્લસ પોઈન્ટ’ હોય, તો તે છે રણવીર સિંહ. છેલ્લા ભાગમાં અક્ષય ખન્નાએ પોતાના અભિનયથી મહેફિલ લૂંટી હતી, પરંતુ આ વખતે આખી ફિલ્મ રણવીરના ખભા પર છે. તેણે બે અલગ-અલગ શેડ્સ જીવ્યા છે—એક તરફ નિર્દોષ અને ઘાયલ જસકીરત, તો બીજી તરફ ક્રૂર અને શાતિર હમઝા. તેના ચહેરાના હાવભાવ અને બોડી લેંગ્વેજમાં જે બદલાવ દેખાય છે, તે કાબિલે તારીફ છે. રણવીરે આ પાત્રમાં પોતાનો જીવ રેડી દીધો છે.
ફિલ્મની તાકાત: રિયાલિઝમ અને ઈમોશનનું કોમ્બિનેશન
-
શાનદાર સ્ક્રીનપ્લે: આદિત્ય ધરે પંજાબમાં ડ્રગ્સની સમસ્યા, નકલી નોટોનું સિન્ડિકેટ અને તેને પાકિસ્તાન સાથે જોડતા તારને ખૂબ જ મજબૂતીથી વણ્યા છે.
-
વાસ્તવિકતા સાથે જોડાણ: ફિલ્મમાં નોટબંધી અને અતીક અહેમદ જેવી વાસ્તવિક ઘટનાઓનો સંદર્ભ આપવામાં આવ્યો છે, જે વાર્તાને ‘રૉ’ અને ‘ઓથેન્ટિક’ ફીલ આપે છે. જોકે, ફિલ્મમાં રાજકીય પ્રચારની ઝલક પણ દેખાય છે, પરંતુ તે વાર્તાના પ્રવાહમાં એવી રીતે ભળી ગઈ છે કે મનોરંજનના ભાગ રૂપે નડતી નથી.
-
એક્શન અને ડાયલોગ્સ: “ઘરમાં ઘૂસીને મારીશું” જેવા જૂના ડાયલોગ્સ આજે પણ થિયેટરમાં સીટીઓ વગાડવા મજબૂર કરે છે. ફિલ્મના એક્શન સીન્સ આંતરરાષ્ટ્રીય સ્તરના લાગે છે.
-
સપોર્ટિંગ કાસ્ટ: સંજય દત્તે એસપી ચૌધરી તરીકે પોતાની જૂની ચમક બતાવી છે. રાકેશ બેદીએ સરપ્રાઈઝ પેકેજ તરીકે કામ કર્યું છે, તેમનું પાત્ર તમને અંત સુધી હેરાન કરી દેશે. ગૌરવ ગેરાનો છેલ્લો સીન દર્શકોની આંખો ભીની કરવા માટે પૂરતો છે.
ક્યાં કમી રહી ગઈ?
આટલી બધી ખૂબીઓ હોવા છતાં ફિલ્મ પૂરી રીતે પરફેક્ટ કહી શકાય નહીં:
-
લંબાઈ: ફિલ્મ લગભગ 3 કલાક 50 મિનિટની છે, જે આજની પેઢી માટે ઘણી વધારે છે. ખાસ કરીને ફર્સ્ટ હાફમાં એડિટિંગની જરૂર હતી. શરૂઆતનો ભાગ થોડો ધીમો લાગે છે.
-
સંગીત: પહેલા ભાગનું સંગીત અને તેનો ‘સ્વેગ’ આજે પણ લોકોના મનમાં તાજા છે. આ વખતે સંગીત એવો જાદુ ચલાવી શક્યું નથી. બેકગ્રાઉન્ડ સ્કોર ક્યાંક ક્યાંક સંવાદો પર હાવી થઈ જાય છે.
-
હિંસા અને ભાષા: ફિલ્મમાં ગાળો અને હિંસાનું પ્રમાણ પહેલા ભાગ કરતા ઘણું વધી ગયું છે. કદાચ ફેમિલી ઓડિયન્સ માટે આ થોડું અઘરું બની શકે.
-
દાઉદ ઈબ્રાહિમનો એંગલ: ફિલ્મમાં ‘મોટા સાહેબ’ (દાઉદ) ને લઈને જે ઉત્તેજના ઉભી કરવામાં આવી હતી, તે અંતમાં એટલી પ્રભાવશાળી સાબિત થઈ નથી.
ફાઈનલ વર્ડિક્ટ: જોવી કે નહીં?
‘ધુરંધર 2: ધ રિવવેન્જ’ એક પૈસા વસૂલ ફિલ્મ છે. જો તમે ઈન્ટેન્સ સ્પાય થ્રિલર અને જોરદાર એક્શનના શોખીન હોવ, તો આ ફિલ્મ મિસ ન કરતા. ફિલ્મમાં થોડી ખામીઓ હોવા છતાં, રણવીર સિંહનો અભિનય અને આદિત્ય ધરનું વિઝન બધું જ સરભર કરી દે છે. આ ફિલ્મ તમને ગર્વ પણ અપાવશે અને તમારા અંદરના ગુસ્સાને પણ શાંત કરશે.

ફિલ્મની તાકાત: રિયાલિઝમ અને ઈમોશનનું કોમ્બિનેશન