અમેરિકા ટૂંક સમયમાં જ ટિકટોક પ્રતિબંધ પર અંતિમ નિર્ણય લઈ શકે છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ વિરુદ્ધ કેમ્પેઈન ચલાવી રહ્યા છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, ચીનની આ એપ અમેરિકન નાગરિકોની જાસુસી કરી રહી છે. થોડા દિવસ પહેલાં ટ્રમ્પે ટિકટોક પર પ્રતિબંધ વિશે વિચાર કરવાની વાત કહી હતી. ભારતે ગયા મહિને જ ચીનની 59 એપ્સ પર પ્રતિબંધ લગાવી દીધો છે. અમેરિકન NSA રોબર્ટ ઓ’બ્રાયન અને વિદેશ મંત્રીએ ભારતના કડક પગલાંના વખાણ કર્યા હતા. ટ્રમ્પના ટિકટોક વિરોધી અભિયાન વિશેની માહિતી તેના ટ્વિટર હેન્ડલ પર શેર કરી હતી. ઝુંબેશની ટેગલાઇન છે – ટિકટોક તમારી જાસૂસી કરે છે. તેમાં વધુમાં જણાવ્યું છે કે અમેરિકન નાગરિકોને પ્રાઈવસી એટલે કે ગોપનીયતાનો અધિકાર છે. જ્યારે યુઝર્સ આ જાહેરાત સાથેની એક લિંક પર જાય છે, ત્યારે તેને ત્યાં એક સર્વે પણ કરવામાં આવે છે. તેમાં પુછાય છે- શું તમને લાગે છે કે ટ્રમ્પે અમેરિકામાં ટિકટોક પર પ્રતિબંધ મૂકવો જોઈએ? આ સવાલ સાથે યુઝર્સને ટ્રમ્પના ચૂંટણી પ્રચાર માટે દાન આપવાની વિનંતી પણ કરવામાં આવી છે. નિષ્ણાતો ટિકટોકના કેસને જુદી રીતે જુએ છે, કારણ કે અમેરિકા કે ભારત જ નહીં, પરંતુ વિશ્વના ઘણા દેશોમાં, ટિકટોક મારફત ચીન આ દેશોની જાસૂસી કરી રહ્યું હોવાની શંકા અને આશંકા વધી રહી છે. તેથી, તેને રાષ્ટ્રવાદ સાથે જોડવામાં આવી રહ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ટિકટોક અથવા અન્ય ચીની એપ્લિકેશન ચીનને યુઝર ડેટા મોકલી રહી છે અને આ રાષ્ટ્રીય સુરક્ષા માટે મોટો ખતરો છે.