[highlight]૧૮% GSTથી બિલ ત્રણ ટકા વધી જશે, બે હજારના બિલ પર વધારાના રૂ. ૬૦ આપવા પડશે[/highlight]
નવી દિલ્હી તા. ૩૦ : પહેલી જુલાઇથી જીએસટી અમલમાં આવતાં બ્રોડબેન્ડ અને મોબાઇલના બિલ મોંઘા થઇ જશે. નવા કર માળખા હેઠળ ટેલિકોમની સેવાઓ હાલના ૧૫ ટકાને બદલે ૧૮ ટકા વેરાના બ્રેકેટમાં મૂકાઇ છે. આને કારણે હવે પહેલી જુલાઇથી ૧૮ ટકાનો વેરો અમલી બનશે. જેના કારણે તમારું મોબાઇલ બિલ વધુ આવશે. બ્રોડબેન્ડ અને ઇન્ટરનેટની સેવાઓ આપતી કંપની ડેન બૂમબેન્ડે જણાવ્યું હતું કે દેશની સૌથી મોટી ટેલિકોમ્યુનિકેશન્સ સર્વિસ આપતી કંપની એરટેલ પણ એ વાતે સંમત છે કે બ્રોડબેન્ડ અને મોબાઈલ બિલ વધી જશે. ટેકસમાં વધારો તમામ સેવાઓને લાગુ પડશે. અન્ય ટેલિકોમ કંપનીઓના અધિકારીઓએ પણ બિલમાં વધારા થનારી વાતને સમર્થન આપ્યું હતું.
આંકડામાં જોઇએ તો જો તમારો બ્રોડબેન્ડ અને મોબાઇલનું બિલ દર મહિને રૂ. ૧,૦૦૦-૧,૦૦૦ આવતું હોય તો તમારે હવે બન્ને રકમ પર ત્રણ ટકા વધુ એટલે કે ૨,૦૦૦ પર ત્રણ ટકા વેરો એટલે કે વધુ રૂ. ૬૦ની ચુકવણી કરવી પડી શકે છે. એવી જ રીતે પ્રિપેઇડ ગ્રાહકો માટે અસરકારક ટોક ટાઇમ પણ ઘટી જશે. ટેલિકોમ સેવાઓ માટે ૧૮ ટકા જીએસટીના દરને કારણે ટેલિકોમ ઉઘોગને નિરાશા સાંપડી છે. આ સેકટરના પ્રતિનિધિઓની દલીલ છે કે સંદેશાવ્યહાર એ એસેન્સિઅલ સર્વિસિઝ મેઇન્ટેનેન્સ એકટ, ૧૯૬૮ હેઠળ આવશ્યક સેવા છે અને આથી ટેકસનો દર ઘણો નીચો જવો જોઇએ અને તે આવશ્યક પેદાશો અને સેવાઓને અનુરૂપ હોવો જોઇએ.
ટેલિકોમ લોબી ગ્રૂપ સેલ્યુલર ઓપરેટર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયા (સીઓએઆઇ)ના ડિરેકટર જનરલ રાજન એસ મેથ્યૂઝે જણાવ્યું હતું કે ‘ઉદ્યોગ જગત જીએસટીને સક્રિય સમર્થન આપે છે અને હાલની સિસ્ટમમાં તેને નોંધપાત્ર સુધારા તરીકે જુએ છે. પરંતુ હવે તેના ૧૮ ટકા રેટને કારણે તે નિરાશ છે. અમે સરકાર સાથે સક્રિયરીતે કામ કરી રહ્યા છે.‘
જીએસટીની ખરી અસર તેના અમલના એક વર્ષ પછી ખબર પડશે પણ તે પહેલાં સર્વિસ સેકટરમાં તેની ચકાસણી પહેલી જુલાઈથી જ શરૂ થઈ જશે. બેન્કિંગ અને ટેલિકોમ સેવા તેમાં ખાસ છે. આ બંને સેવાઓ જીએસટીને કારણે મોંઘી થશે. આ ઉપરાંત, એસીવાળા રેન્સ્ટોરાંમાં જમવાનું, રેડીમેઈડ ગારમેન્ટ અને ટ્યુશન ફીમાં પણ ટેકસનું માળખું વધારાયું હોવાને કારણે તે સેવાઓ પણ મોંઘી થઈ જશે.