લૉકડાઉન બાદ હજારો કિ.મી. ચાલીને વતનમાં પહોંચેલા શ્રમિકો બધી પીડા ભૂલીને પાછા ફરવા લાગ્યા છે, કેમ કે કામ બંધ થતાં તેમને આશરો આપવાની જેમણે ના પાડી દીધી હતી તેઓ જ હવે તેમને 20 હજાર રૂ. એડવાન્સ, દોઢ ગણા પગાર સાથે પાછા ફરવા એસી બસો મોકલી રહ્યા છે. 7 જિલ્લાના ગામોમાંથી સરેરાશ 50 ટકાથી વધુ શ્રમિકો પાછા ફરી ચૂક્યા છે. કોરોનાકાળમાં પરત ફરેલા બિહારીઓ પૈકી મોટા ભાગનાએ એક સૂરમાં કહ્યું કે અહીં સરકારના પ્રયાસ દેખાઇ રહ્યા છે પણ બીજા રાજ્યો જેવી કમાણી અહીં મુશ્કેલ છે. હવે તો ત્યાં ફેક્ટરી માલિકો અને ખેતી કરાવનારા પહેલાં કરતાં વધુ પૈસા આપે છે, પાછા જવાનું અને આગળનું બાકી વેતન પણ. બિહારી શ્રમિકો વિના પંજાબ-હરિયાણાના સમૃદ્ધ ખેડૂતોની ખેતી ખરાબ થઇ રહી છે. દિલ્હી, પંજાબ, હરિયાણા, ગુજરાત, મહારાષ્ટ્ર અને તેલંગાણાના ફેક્ટરી માલિકો તેમના જૂના અનુભવી બિહારી શ્રમિકોને મેસેજ પર મેસેજ મોકલી રહ્યા છે. દર વખતે તેમની ઓફર અગાઉથી વધુ હોય છે. આ શ્રમિકો તેમના ખેતરો-ફેક્ટરીઓમાં વર્ષોથી કામ કરતા હોવાથી તેમને કામની દરેક બારીકી ખબર છે. તેથી તેમને પાછા લાવવા માલિકો બસો પણ મોકલી રહ્યા છે, એડવાન્સ નાણા આપી રહ્યા છે.