WCA રેન્કિંગ: દુનિયાની સૌથી ધનિક લીગ હોવા છતાં IPL કેમ પાછળ? ‘The Hundred’ અને ‘SA20’ એ મારી બાજી
ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) વિશ્વની સૌથી વધુ કમાણી કરતી T20 લીગ હોવા છતાં, વર્લ્ડ ક્રિકેટર્સ એસોસિએશન (WCA) ના તાજેતરના ‘લીગ્સ હબ’ આકારણીમાં તેને ત્રીજા સ્થાને રાખવામાં આવી છે. આ યાદીમાં ઈંગ્લેન્ડની ‘The Hundred’ પ્રથમ અને દક્ષિણ આફ્રિકાની ‘SA20’ બીજા સ્થાને રહી છે. આ રેન્કિંગે ક્રિકેટ જગતમાં નવી ચર્ચા જગાવી છે કે માત્ર પૈસા જ લીગની સફળતાનો માપદંડ નથી.
કેવી રીતે નક્કી થાય છે આ રેન્કિંગ?
WCA દ્વારા દરેક લીગને 100 માંથી રેટિંગ આપવામાં આવે છે. આ રેટિંગ માત્ર આર્થિક પાસાઓ પર નહીં, પરંતુ ખેલાડીઓની સ્થિતિ, સુરક્ષા, વ્યાવસાયિક ધોરણો અને ખેલાડીઓને મળતા લાભોના ડેટા પર આધારિત હોય છે. આ પ્રક્રિયામાં ખેલાડીઓ, ખેલાડીઓના સંગઠનો અને એજન્ટો પાસેથી મળેલા પ્રતિસાદનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેનો મુખ્ય ઉદ્દેશ્ય ખેલાડીઓને તેમના કરિયરના નિર્ણયો લેવામાં મદદ કરવી અને લીગમાં પારદર્શિતા લાવવાનો છે.
IPL માટે રેટિંગનું ગણિત: ક્યાં મળી સફળતા અને ક્યાં રહી કમી?
WCA ના સ્કોરકાર્ડ મુજબ, IPL ને ખેલાડીઓના પગાર અને પેમેન્ટની વિશ્વસનીયતા બાબતે પૂરેપૂરા અંક મળ્યા છે, જે તેની નાણાકીય મજબૂતી દર્શાવે છે. જોકે, ખેલાડીઓના અધિકારો, સુરક્ષા અને અન્ય વ્યાવસાયિક શ્રેણીઓમાં ઓછા રેટિંગને કારણે IPLનો ઓવરઓલ સ્કોર ઘટી ગયો છે.
ટોપ-10 T20 લીગનું રેન્કિંગ:
- The Hundred — 75.2
- SA20 — 68.0
- IPL — 62.6
- BBL (ઓસ્ટ્રેલિયા) — 62.5
- PSL (પાકિસ્તાન) — 48.0
- MLC (અમેરિકા) — 43.0
- ILT20 (UAE) — 39.1
- CPL (વેસ્ટ ઈન્ડિઝ) — 38.9
- Abu Dhabi T10 — 30.1
- BPL (બાંગ્લાદેશ) — 22.6
ગ્લોબલ સ્ટાન્ડર્ડ સ્થાપવાનો પ્રયાસ
WCA ના મુખ્ય કાર્યકારી ટોમ મોફટે જણાવ્યું હતું કે, ઘરેલું લીગના વધતા પ્રચલને કારણે ક્રિકેટનો વિકાસ થયો છે, પરંતુ હજુ પણ સુધારાની ઘણી અવકાશ છે. તેમનો હેતુ લીગને નબળી પાડવાનો નથી, પરંતુ સમગ્ર ક્રિકેટિંગ સિસ્ટમમાં મજબૂત વ્યાવસાયિક ધોરણોને પ્રોત્સાહન આપવાનો છે. મોફટે ઉમેર્યું કે, “ઘણી જગ્યાએ ગ્લોબલ સ્ટાન્ડર્ડ્સનો અભાવ જોવા મળે છે, અને અમારો આ ‘લીગ્સ હબ’ પ્રોજેક્ટ તેને સુધારવામાં મદદ કરશે.”

