વિદેશમાં વિમાન દ્વારા પ્રવાસ કરતા ભારતીયોને શનિવારથી ડિપાર્ચર કાર્ડ્સ ભરવાની આવશ્યકતા રહેશે નહીં. અલબત્ત, જે લોકો રેલવે, દરિયાઈ બંદરો અને જમીન માર્ગે લેન્ડ ઈમિગ્રેશન ચેક પોસ્ટ થઈને વિદેશના પ્રવાસે જશે, તેમને અમ્બાર્કેશન કાર્ડ ભરવાનું આવશ્યક રહેશે.
પહેલી જુલાઈ, ૨૦૧૭થી અમલી બને એ રીતે તમામ આંતરરાષ્ટ્રીય વિમાની મથકોએ વિદેશના પ્રવાસે જતા ભારતીયો માટે ડિપાર્ચર કાર્ડ ભરવાની જે પ્રથા છે એ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કેન્દ્રના ગૃહખાતા દ્વારા બહાર પાડવામાં આવેલા આદેશમાં એમ જણાવવામાં આવ્યું હતું. વિદેશ જતા ભારતીયો અડચણ મુક્ત પ્રવાસ માણી શકે એ હેતુસર આ પગલું ભરવામાં આવ્યું છે. હાલમાં જે ભારતીયો વિદેશ જાય છે, તેમને વિમાની મથકે નામ, જન્મ તારીખ, પાસપોર્ટ નંબર, ભારતનું સરનામું, ફલાઈટ નંબર અને બોર્િંડગની તારીખ વગેરે વિગતો ડિપાર્ચર કાર્ડમાં ભરવી જરૃરી છે. પ્રવાસીઓ અંગેની તમામ માહિતી અન્ય વર્તુળો થકી સિસ્ટમમાં સુલભ છે, એમ ગૃહખાતાના આદેશમાં જણાવવામાં આવ્યું હતું. સરકારના આ નિર્ણયને લઈને પ્રવાસીઓને ઈમિગ્રેશન અંગેની ઔપચારિકતાઓ પૂર્ણ કરવામાં જે સમય જાય છે, તે ઘટતાં લાભ થશે, આ ઉપરાંત વિમાની મથકો અને સત્તાવાળાઓ માટે પણ સુગમતા ઊભી થશે.