પેટ્રોલ પંપ પર ઓછું ઇંધણ મળતું હોવાની અને છેતરપિંડી થતી હોવાની ફરિયાદ ઘણા વાહનચાલકો કરે છે. હવે કદાચ આ ચીટિંગનો અંત આવશે. પેટ્રોલ ડિસ્પેન્સિંગ મશીનને ટૂંક સમયમાં પાસવર્ડ દ્વારા ઇલેકટ્રોનિકલી સીલ કરાશે જેથી સિસ્ટમમાં ચેડાં નહીં થઈ શકે. ઓઇલ માર્કેટર્સ અને ઇકિવપમેન્ટ ઉત્પાદકો સાથેની બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો.
ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્રમાં ઘણા પેટ્રોલ પંપ પર ગોટાળા બહાર આવ્યા હતા જેમાં મીટર પર જે માપ દર્શાવવામાં આવે તેના કરતા ગ્રાહકોને ઓછું ઇંધણ મળતું હતું. તેમાં મોટા ભાગે ઇલેકટ્રોનિક ચિપનો ઉપયોગ કરીને પલ્સર કાર્ડમાં ચેડા કરવામાં આવે છે અને ગ્રાહક છેતરાય છે. એક જાણકાર સૂત્રે કહ્યું કે, ‘મેટ્રોલોજીના નિયમ પ્રમાણે પલ્સર કાર્ડને ઇ-સીલ કરવા જરૃરી છે જેને હાલમાં મિકેનિકલી સીલ કરવામાં આવે છે. પાસવર્ડથી સીલ લગાડવામાં કોઇ ખર્ચ નથી આવતો.’
પલ્સર કાર્ડ એ ઇંધણ ભરવા માટેના મશીનનો હિસ્સો છે જેને લીગલ મેટ્રોલોજી ડિપાર્ટમેન્ટે સીલ કરેલું હોય છે. ઇ-સીલ લાગ્યા પછી કોઇ ટેકિનશિયન તેમાં ફેરફાર નહીં કરી શકે અને પલ્સ ફ્રિકવન્સી એન્હેન્સર નહીં લગાડી શકે. ચિપના કારણે ગ્રાહકને લિટર દીઠ ૫૦થી ૭૦ મિલિ લિટર જેટલું ઇંધણ ઓછું મળે છે. ઇ-સિલિંગ પછી આ છેતરપિંડી અટકાવી શકાશે.