ગુજરાત સરકારે ચોમાસામાં નદીઓમાં આવતા પૂરથી લોકોને સાવધ કરવા માટે નવી સિસ્ટમ્સ લગાડી છે અને તેનો પાયલોટ પ્રોજેકટ વલસાડમાં શરૂ થયો છે. આ પ્રોજેકટ અંતર્ગત પૂરની આગાહી એક કલાક પહેલા મળી જશે. વલસાડમાં આ પ્રોજેકટની સફળતા બાદ સુરતના કાંઠાના વિસ્તારો સહિત અન્ય વિસ્તારોમાં તેનો અમલ કરાશે.
નદીકિનારાના વિસ્તારોમાં ચોમાસા દરમિયાન પાણી ભરાઈ જવાના બનાવને લઈ જિલ્લા ડીઝાસ્ટર મેનેજમેન્ટ અને કલેકટર દ્વારા ઔરંગા નદી ઉપર અલ્ટ્રા સોનિક કેમેરા લગાવવામાં આવ્યા છે. જે પૂરની આગાહી તંત્રને એક કલાક પહેલા જ આપી દેશે. વલસાડ શહેરના છીપવાડ, દાણાબજાર, લીલાપોર, તરીયાવાડ, આંધીયાવાડ, હનુમાન ભાગડા પિચીંગ જેવા વિસ્તારો ઔરંગા નદીમાં પાણીનો વધારો થતા પાણીમાં ગરકાવ થઈ જતાં હોય છે અને પૂરની પરિસ્થિતિનું નિર્માણ થાય છે. જેમાં લોકોને ઘરવખરીના સામાનને નુકશાન પહોંચે છે. આ પરિસ્થિતિને નિવારવા ભૈરવી ગામ નજીક જયાં તાન, માન અને ઔરંગા નદી મળે છે ત્યાં એક પુલ નીચે અલ્ટ્રા સોનિક કેમેરા ગોઠવ્યા છે. જેનું દર કલાકે સંબંધિત તમામ અધિકારીઓને રીડીંગ મોબાઈલ થકી મળતુ રહે છે. જેના પર ૨૪ કલાક નજર રાખશે. માટે તંત્ર દ્વારા ત્રણ પાળીમાં કર્મચારીઓને જવાબદારી સોપી છે. જયારે કેમેરામાં પાણીનું લેવલ ૬ મીટર સુધી જશે એ ભયજનક સપાટી નક્કી કરી છે. જેથી ૬ મીટર લેવલ જતાં જ નીચાણવાળા વિસ્તારમાં એલર્ટ આપી દેવાશે.
વલસાડ ખાતે શરૂ કરવામાં આવેલી પૂર એલર્ટ સિસ્ટમ્સ પ્રોજેકટ અત્યાર સુધીમાં સમગ્ર રાજયમાં પહેલી વખત વલસાડ ખાતે શરૂ કરવામાં આવ્યો છે. હાલ પુરની આગાહી માટેનો આ પ્રોજેકટ ટેસ્ટ લેવલ પર થઈ રહ્યો છે. જેના રીડીંગ પણ તમામ સંબંધિત અધિકારીઓને આપવામાં આવી રહ્યા છે.