જેરૂસલમ તા.પ : પહેલીવાર ઇઝરાયલની મુલાકાતે ગયેલા પીએમ મોદીએ વિશ્વના સૌથી સુરક્ષિત ગણાતા આરામગૃહમાં રાત વિતાવી હતી. ઇઝરાયલના કિંગ ડેવીડ હોટલને અત્યંત સુરક્ષિત ગણવામાં આવે છે. આ હોટલના જે સ્યુટમાં પીએમ મોદી રોકાયા હતા તેને પૃથ્વીનું સૌથી સુરક્ષિત સ્થળ માનવામાં આવે છે. મીડીયા રિપોર્ટ અનુસાર આ સ્થળ બોંબ ધડાકા, રાસાયણિક હુમલા જેવી દરેક ચીજથી સુરક્ષિત છે. આ અંગે કહેવાય છે કે, જો સમગ્ર હોટલને બોંબથી ફુંકી મારવામાં આવે તો પણ પીએમનો સ્યુટ સુરક્ષિત રહેશે.
આ એક એવી હોટલ છે જયાં અમેરિકી રાષ્ટ્રપતિથી લઇને ઇઝરાયલના ખાસ મહેમાનો રોકાઇ છે. આ હોટલમાં બિલ કલીન્ટન, જયોર્જ બુશ, બરાક ઓબામા અને ડોનાલ્ડ ટ્રમ્પ રોકાઇ ચુકયા છે. હોટલમાં ૧૧૦ રૂમ ભારતીય ડેલીગેશન માટે બુક કરાયા છે. પીએમ મોદીના ખાનપાનની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. મોદી માટે હોટલમાં શાકાહારી ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી. હોટલમાં ગુજરાતી ભોજન પીરસાયુ હતુ જેમાં ઇંડા વગરનું અને ખાંડ વગરની વાનગીઓની કાળજી રાખવામાં આવી હતી એટલુ જ નહી ભારતીય પ્રતિનિધિ મંડળને જે ફુલો પસંદ છે તેની સજાવટ કરવામાં આવી હતી. મોદીના રૂમમાં પણ રસોડુ છે જેમાં ભારતીય ભોજનની વ્યવસ્થા છે.
આ હોટલના રૂમ પર કોઇ પ્રકારના બોંબ કે કેમીકલ એટેકની અસર થતી નથી. રીટઝ કિંગ ડેવીડ હોટલમાં સંચાલનના વડા છે. રીટઝ પીએમ મોદીની યાત્રાના પ્રભારી પણ છે.