ફિફા વર્લ્ડ કપ પહેલા મેસીની ફિટનેસ પર સંકટ? ઇન્ટર મિયામી આરામ આપવાના મૂડમાં નથી, આર્જેન્ટિનાની ચિંતા વધી
2026 ફિફા વર્લ્ડ કપના આયોજનને હવે ગણતરીના મહિનાઓ બાકી છે, ત્યારે ફૂટબોલ જગતના મહાનાયક લિયોનેલ મેસીની ફિટનેસ આર્જેન્ટિના માટે સૌથી મોટો ચર્ચાનો વિષય બની છે. તાજેતરમાં આર્જેન્ટિનાના પૂર્વ ખેલાડી અને વર્તમાન કોચ જેવિયર માશેરાનોએ સંકેત આપ્યા છે કે, ઇન્ટર મિયામી મેસીને આગામી મહત્વની મેચોમાં આરામ આપવાની યોજના ધરાવતું નથી. આ નિર્ણયથી આર્જેન્ટિનાની નેશનલ ટીમમાં ચિંતાના ફફડાટ ફેલાયો છે.
વર્લ્ડ કપ 2026 અમેરિકા, મેક્સિકો અને કેનેડામાં સંયુક્ત રીતે યોજાવા જઈ રહ્યો છે. આર્જેન્ટિનાની ટીમ અને કોચ લિયોનેલ સ્કાલોની ઈચ્છે છે કે તેમનો સુકાની ટૂર્નામેન્ટ સમયે સંપૂર્ણ ફિટ હોય. જોકે, મેસીએ હજુ સુધી વર્લ્ડ કપમાં રમવા અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ કરી નથી; તેણે સ્પષ્ટ કર્યું છે કે તે સમયે તેની શારીરિક સ્થિતિ કેવી હશે, તેના આધારે જ તે નિર્ણય લેશે.
માશેરાનોના મતે ઇન્ટર મિયામી માટે મેસી અનિવાર્ય
જેવિયર માશેરાનોએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ઇન્ટર મિયામીના લક્ષ્યો પ્રાપ્ત કરવા માટે મેસીનું મેદાનમાં હોવું અત્યંત જરૂરી છે. તેણે કહ્યું, “જો અમારે નિર્ધારિત સફળતા મેળવવી હોય, તો મેસી અમારા માટે અનિવાર્ય ખેલાડી છે. સાચું કહું તો, તેના વિના ક્લબ માટે કોઈ પણ મોટું લક્ષ્ય હાંસલ કરવું અશક્ય છે.”
માશેરાનોએ વધુમાં ઉમેર્યું કે ક્લબ મેસીનું પૂરતું ધ્યાન રાખી રહી છે, પરંતુ તેને આરામ આપવાને બદલે તેની શારીરિક સ્થિતિ પર સતત નજર રાખવામાં આવશે. મેસી અત્યારે આર્જેન્ટિના માટે ઇન્ટરનેશનલ ફ્રેન્ડલી મેચો રમવા માટે ડ્યુટી પર છે.
“અમે તેનું ધ્યાન રાખીએ છીએ”: પરસ્પર સહમતીથી લેવાશે નિર્ણય
મેસીની વધતી ઉંમર અને કામના બોજને લઈને માશેરાનોએ સ્વીકાર્યું કે તે હવે તેની કારકિર્દીના અંતિમ તબક્કા તરફ આગળ વધી રહ્યો છે. તેણે કહ્યું, “અમે જાણીએ છીએ કે મેસીને મેદાનમાં રમતી વખતે જ સૌથી વધુ રાહત અનુભવાય છે. અમે તેની સાથે સતત વાતચીત કરી રહ્યા છીએ અને દરેક નિર્ણય પરસ્પર સહમતીથી લેવામાં આવે છે. તેની શારીરિક સ્થિતિ કેવી છે તે જોઈને જ અમે આગળ વધીશું.”
નોંધનીય છે કે ઇન્ટર મિયામી તાજેતરમાં કોનકાકાફ (Concacaf) ચેમ્પિયન્સ કપમાંથી બહાર થઈ ગઈ છે, તેથી હવે ટીમ પાસે માત્ર MLS રેગ્યુલર સીઝનની મેચો જ બાકી છે.
આગામી મેચો અને રદ થયેલી ફાઈનલિસિમા
લિયોનેલ મેસી શુક્રવારે મોરિટાનિયા સામેની ફ્રેન્ડલી મેચમાં આર્જેન્ટિનાનું નેતૃત્વ કરશે, ત્યારબાદ 31 માર્ચે ઝામ્બિયા સામે મેચ રમાશે. અગાઉ આ વિન્ડો દરમિયાન આર્જેન્ટિના અને સ્પેન વચ્ચે ‘ફાઈનલિસિમા’ (Finalissima) યોજાવાની હતી, પરંતુ ખાડી દેશોમાં ચાલી રહેલા સંઘર્ષને કારણે આ પ્રતિષ્ઠિત મુકાબલો રદ કરવો પડ્યો છે.

