સુરતમાં ટેક્સટાઇલ વેપારીઓની હડતાળને નીતિન પટેલે ગેરવાજબી ગણાવી છે. નીતિન પટેલે ટેક્સટાઇલ વેપારીઓની માંગણી અયોગ્ય ગણાવી છે. તેમણે કહ્યું કે સરકાર ટેક્સટાઇલ ઉદ્યોગ પર લાગેલા જીએસટીને પાછો નહીં ખેંચે.
સુરતમાં છેલ્લા 6 દિવસથી ટેક્સટાઇલ વેપારીઓ જીએસટીનો વિરોધ કરી રહ્યા છે. જીએસટીના ટેક્સટાઇલ વેપારીઓના વિરોધને રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે ગેરવાજબી ગણાવ્યો છે. નીતિન પટેલે કહ્યું કે કપડા વેપારીઓનો કોઇપણ પ્રકારના જીએસટી ટેક્સ જોઇતો નથીની માંગણી અયોગ્ય છે. નીતિન પટેલે વધુમાં કહ્યું કે કેન્દ્રીય જીએસટી કાઉન્સિલે વિવિધ ઉદ્યોગો પર ટેક્સ નક્કી કર્યો છે. જેનો ટેક્સટાઇલ ઉદ્યોગના વેપારીઓએ સ્વીકાર કરવો પડશે. સરકાર ટેક્સટાઇલ ક્ષેત્રમાં લાગેલા જીએસટી પાછો નહીં ખેંચે.
મહત્વનું છે કે આજે છઠ્ઠા દિવસે પણ સુરતમાં વેપારીઓએ જીએસટીના વિરોધમાં વિશાળ રેલીનું આયોજન કર્યું હતું. શનિવારે સુરતમાં કાપડ વેપારીઓ પર થયેલા લાઠીચાર્જના અને જીએસટીના વિરોધમાં ટેક્સટાઇલ યંગ બ્રિગેડની આગેવાનીમાં રેલી યોજાઇ હતી. જેમાં અસંખ્ય વેપારીઓ જોડાયા હતા. આ ઉપરાંત રાજ્યના અન્ય શહેરોમાં પણ કાપડા ઉદ્યોગ પર જીએસટીના કારણે ટેક્સટાઇલ વેપારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે.