સુરતઃ દર વર્ષે લગભગ પાંચ કરોડ રૂપિયા જે વાપરી નાખવાની શક્તિ ધરાવતો હતો તે હિતેશ રબારીએ આપઘાત કર્યો કેમ એ પ્રશ્નનો આપઘાતના 17માં દિવસે પણ જવાબ નથી. એક તરફ પરિણીતા જ્યોતિના ત્રાસથી ત્રસ્ત થઈ હિતેશે આપઘાત કર્યો હોવાનું હિતેશના ભાઈ દશરથે પોલીસને જણાવ્યું છે તો બીજી બાજુ જ્યોતિએ કોર્ટમાં કરેલી આગોતરા જામીન અરજીમાં એવુ જણાવ્યું છે કે મિલકતના ભાગના મુદ્દે હિતેશ સતત ટેન્શનમાં રહેતો હતો. આ બન્ને પક્ષોના આક્ષેપો વચ્ચે એક નવી વાત સપાટી પર આવી છે કે હિતેશે નજીકના દિવસોમાં એક વકિલની સલાહ લીધી હતી. પોલીસ જો એ વકિલનું નિવેદન લે તો સત્ય હકીકત બહાર આવશે.
આધારભૂત સૂત્રોમાંથી સાંપડતી માહિતી મુજબ હિતેશ રબારી અને દશરથ રબારી બન્ને અઢળક સંપત્તિના માલિક છે. છેલ્લા થોડા સમયથી કોણ જાણે શું બન્યું કે સંપત્તિના ભાગ પાડવાની વાત રબારી પરિવારમાં ચાલતી હતી. જેના કારણે હિતેશ ખૂબ નારાજ હતો. એક તબક્કે તેણે સુરતના એક વકિલની સલાહ પણ લીધી હતી અને કહેવાય છે કે તે દશરથ સામે કોર્ટમાં ફરિયાદ કરવા પણ તૈયાર હતો. એ મુજબ વકિલે ફરિયાદ ડ્રાફ્ટ પણ કરી રાખી હતી. ત્યાર પછી કોણ જાણે શું બન્યું કે હિતેશે તેમાં પોતાના હસ્તાક્ષર કર્યા નહીં અને આપઘાત કરી લીધો.
પહેલેથી જ દશરથના પક્ષે કામ કરતી નવસારી પોલીસ ખરેખર જો સત્યની નજીક પહોંચવાની દાનત ધરાવતી હોય તો પોલીસે આ વકિલનું નિવેદન લઈ કઈ સંપત્તિના મામલે હિતેશ દુઃખી હતો, કોર્ટમાં શું ફરિયાદ કરવા માગતો હતો પછી હસ્તાક્ષર કરવા કેમ ન આવ્યો વગેરે મુદ્દે ઊંડાણપૂર્વક તપાસ કરે તો સત્ય બહાર આવ્યા વગર રહેશે નહીં.